આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે
આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે
જૈનાચાર્ય વિજય શ્રી હંસરત્નસૂરિજીના ચોથી વારના વિશ્વવિક્રમી ૧૮૦ ઉપવાસનું ગઈ કાલે ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરિજી, પદ્મભૂષણ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજી સહિત સેંકડો સાધુ-સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાની હાજરીમાં ભવ્ય રીતે પારણાંનું આયોજન પરિપૂર્ણ થયું. અકલ્પનીય એવા આ તપનું પારણું આચાર્યશ્રી હંસરત્નસૂરિજીએ આયંબિલના તપ દ્વારા કર્યું, એટલું જ નહીં પણ આ પારણું એ તપ પર ફુલસ્ટોપ નથી પરંતુ એક કૉમા છે એવી પણ તેમના મનની ભાવના સભામાં વ્યક્ત કરવામાં આવી. બોરીવલીના પ્રબોધન ઠાકરેમાં યોજાયેલા કાર્યક્રમમાં વાજતેગાજતે પાલખીમાં ગુરુદેવનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પદ્મભૂષણ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજીએ કહ્યું હતું કે ‘આજનો દિવસ ઘણીબધી રીતે ઐતિહાસિક છે. લાખો જન્મોની સાધના પછી જ કોઈને આટલો શાંત અને સૌમ્ય સ્વભાવ મળી શકે એવા પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજના હાથે આ ઐતિહાસિક તપનું પારણું થઈ રહ્યું છે એ પણ વિરલ ઘટના જ છે. છ મહિના પછી પણ પારણું આયંબિલથી થઈ રહ્યું છે એ તપની અને તપસ્વીની નવી ઊંચાઈના દર્શન કરાવે છે. મને ખાતરી છે કે ૧૮૦ દિવસની જો મર્યાદા ન હોત તો આ તપસ્વી આજે પણ પારણું ન કરત. તપસ્વી શ્રી હંસરત્નસૂરિજી મ.સા.અે બિરાજમાન સૌ મહારાજસાહેબના આશિર્વાદ લીધા હતા.

