પાંચ વર્ષ પછી હું હયાત હોઈશ કે નહીં એમ કહીને હાર્ટ ફક્ત ૨૦ ટકા જ કામ કરતું, હોવા છતાં વોટ આપવાની જીદ કરી
ઑક્સિજન સાથે મતદાન કરીને બહાર આવેલાં મીના શાહ.
નવી મુંબઈના વાશીનાં ૮૦ વર્ષનાં મીના શાહ ફેફસાંનાં દરદી છે. તેઓ ઑક્સિજન સાથે મતદાન કરવા ગયાં હતાં. તેમના જમાઈ અને કચ્છી અગ્રણી નીલેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમના ઉત્સાહની ખબર નથી, પણ તેઓ ખૂબ જિગરવાળાં છે એટલે જ આ સ્થિતિમાં પણ મતદાન કરી શક્યાં હતાં. હવે પાંચ વર્ષ પછી મતદાન કરવા મળશે ત્યારે હું હયાત હોઈશ કે નહીં એની મને ખબર નથી એટલે મારે તમારી સાથે મતદાન કરવા આવવું જ છે એવી જીદ તેમણે કરી હતી. એટલે અમે તેમને હૉસ્પિટલમાંથી સવા મહિના પહેલાં ડિસ્ચાર્જ મળ્યા પછી પહેલી વાર ગઈ કાલે ઑક્સિજન સાથે કારમાં મતદાન કરવા લઈ ગયા હતા. મારાં સાસુ છેલ્લાં છ વર્ષથી અમારી સાથે જ રહે છે. તેમનું હાર્ટ ફક્ત ૨૦ ટકા કામ કરે છે અને તેમને ડાયાબિટીઝ પણ છે. અઢી મહિના પહેલાં તેમનું ઑક્સિજન-લેવલ ૫૮ થઈ ગયું હતું. આથી તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં જ્યાં ઑક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં. ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા પછી ડૉક્ટરે તેમને અમુક સમયે ઑક્સિજન પર રાખવાની સલાહ આપી છે. આથી અમે તેમને બહાર લઈ જતાં જ નથી.’



