વનવે અને પૅસેન્જર ન મળતા હોવાથી હાલમાં બેસ્ટ આ રૂટ પર કોઈ બસ દોડાવવાના મૂડમાં નથી
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ
મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટની વરલીથી મરીન ડ્રાઇવની લેન ઓપન કરાઈ છે અને હાલ એના પર કાર દોડાવવાની પરવાનગી અપાઈ છે. એ ટનલમાં બેસ્ટની બસ માટે અલાયદી લેન અલૉટ કરાઈ છે, પણ એના પરથી બેસ્ટની બસ ચાલુ કરાઈ નથી અને હજી થોડો વખત થવાની પણ નથી. સામાન્ય લોકોએ બસમાં કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કરવાનો લહાવો લેવા હજી રાહ જોવી પડે એમ છે.
આ બાબતે માહિતી આપતાં બેસ્ટના ટ્રાફિક ડિવિઝનના અધિકારી સુનીલ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પૅસેન્જર મળતા ન હોવાથી એ રૂટ પર બેસ્ટની બસ ચાલુ નથી કરાઈ. એ રૂટ પર વરલી ડેપોથી બસ ચાલુ કરાય, પણ ત્યાંથી સીધા ચર્ચગેટ જનારા પૅસેન્જર મળવા જોઈએ, કારણ કે ટનલની અંદર તો બસ રોકાવાની જ નથી. એટલા પૅસેન્જર ન મળે તો બસ દોડાવવી પરવડે નહીં. બીજું, હાલ એક જ સાઇડ લેન ચાલુ થઈ છે. બેસ્ટની બસ બન્ને બાજુ દોડાવવી પડે, બન્ને લેન ચાલુ થાય એ પછી એ બાબતે કંઈ વિચારી શકાય. એ સિવાય હાલ જે રૂટ નંબર ૮૯ની બસ દોડે છે એ જો કોસ્ટલ રોડ પરથી દોડાવીએ તો વરલીથી મરીન ડ્રાઇવ વચ્ચેનાં ૧૮ સ્ટૉપ કૅન્સલ થઈ જાય એટલે એ પૅસેન્જર્સ આમાં ન આવી શકે. આવી પ્રૅક્ટિકલ મુશ્કેલીઓ છે. એક બીજો વિકલ્પ એ છે કે હાલ હેરિટેજ ટૂર માટે જે ઓપન ડેકની બસ છે એ રીતે ફક્ત જૉય-રાઇડ માટે શનિવાર-રવિવાર કે પછી રજાના દિવસે કોસ્ટલ રોડ પર દોડાવી શકાય, પણ એનું ભાડું બહુ વધુ હોય છે. હાલ પણ હેરિટેજ ટૂરની બેસ્ટની બસના મ્યુઝિયમથી મ્યુઝિયમ વાયા ચોપાટી-ચર્ચગેટના વ્યક્તિદીઠ ૧૫૦ રૂપિયા લેવામાં આવે છે. આ ઑપ્શન સામાન્ય જનતાને પરવડે એમ નથી એટલે હાલમાં કોસ્ટલ રોડ પર બસ ચાલુ કરવાનો કોઈ પ્લાન નથી. આગળ જતાં જોઈશું કઈ રીતે વર્ક-આઉટ થાય છે.’

