Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી ઢબે ૨૫ લાખ રૂપિયા અને ત્રણ કિલો સોનું ગઠિયાઓ પડાવી ગયા

ફિલ્મી ઢબે ૨૫ લાખ રૂપિયા અને ત્રણ કિલો સોનું ગઠિયાઓ પડાવી ગયા

25 January, 2023 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝવેરી અને તેના સ્ટાફને ધમકાવીને માર પણ માર્યો : એલ. ટી. રોડ પોલીસે ઝડપી તપાસ કરી ૨૪ કલાકમાં જ ત્રણ આરોપીઓને પકડીને ૧૫ લાખ રૂપિયા અને ૨.૫ કિલો સોનું જપ્ત કર્યું

ફિલ્મી ઢબે ૨૫ લાખ રૂપિયા અને  ત્રણ કિલો સોનું ગઠિયાઓ પડાવી ગયા

ફિલ્મી ઢબે ૨૫ લાખ રૂપિયા અને ત્રણ કિલો સોનું ગઠિયાઓ પડાવી ગયામુંબઈ : ચોકસાઈ સાથે રોજનો લાખો રૂપિયાનો ધંધો કરતા ઝવેરીઓને ભાગ્યે જ કોઈ છેતરી શકે એવી લોકોમાં ધારણા છે, પણ સોમવારે ઝવેરીબજારની પેઢી પર ત્રાટકેલા ગઠિયાઓએ તેઓ ઈડી (એ‌ન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ના અધિકારીઓ હોવાનું કહીને ઝવેરી અને તેના સ્ટાફને ધમકાવીને અને માર મારીને ૨૫ લાખ રૂપિયા અને ત્રણ કિલો સોનું લઈને ચાલતી પકડી હતી. જોકે આ બાબતે તરત જ ફરિયાદ નોંધાવવામાં આવતાં એલ. ટી. રોડ પોલીસે ઝડપી તપાસ કરીને ગઠિયાઓની એ ચંડાળ ચોકડીમાંથી ત્રણ જણને ઝડપી પણ લીધા હતા. એમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તેમની પાસેથી ૧૫ લાખ રૂપિયા અને ૨.૫ કિલો સોનું જપ્ત કરાયું છે, જ્યારે ચોથા આરોપીને પણ ઝડપી લઈને તેની પાસેથી બાકીની મતા મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 
છેતરપિંડીની આ ઘટના ઝવેરીબજારની વીબીએલ બુલિયનમાં સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી અને તેનો સ્ટાફ દુકાનમાં હાજર હતા એ વખતે બે જણ જબરદસ્તી ધસી આવ્યા હતા. એમાંથી એક જણે આવતાંની સાથે જ દુકાનના એક કર્મચારીને લાફો મારી દીધો હતો. એટલે દુકાનમાં સોપો પડી ગયો હતો. ફરિયાદી અને અન્યોએ તેમને પૂછ્યું હતું કે તમે કોણ છો? તો તેમણે કહ્યું હતું કે અમે ઈડીમાંથી આવીએ છીએ અને સામો સવાલ કર્યો હતો કે વિરાટભાઈ ક્યાં છે? પછી તેમણે કહ્યું કે અમે રેઇડ પાડી છે. એમ કહીને બધાના મોબાઇલ તેમણે લઈ લીધા હતા. એ પછી તેમણે દુકાનમાંની ૨૫ લાખની કૅશ અને ૨.૫ કિલો સોનું પોતાના તાબામાં લઈ લીધું હતું. ત્યારે ફરી એક વાર થોડીઘણી હિંમત કરીને ફરિયાદીએ તેમની પાસે આઇડી અને રેઇડ કરાઈ છે તો એના દસ્તાવેજો જોવા માગ્યા હતા. ત્યારે એ બંને જણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી અન્ય એક સ્ટાફ દશરથ માલી પાસેથી ૫૦૦ ગ્રામ સોનાની લગડી લઈ લીધી હતી. એટલું ઓછું હોય એમ તેમણે તેમની પાસેની હાથકડી દશરથ માલીના હાથમાં પહેરાવી દીધી હતી. એ પછી તેઓ ફરિયાદી અને દશરથ માલીને લઈને ધનજી સ્ટ્રીટમાં આવેલી વીબીએલની જૂની ઑફિસે ગયા હતા. ત્યાં પહેલેથી જ તેમના સાગરીતો એક પુરુષ અને એક મહિલા હાજર હતાં. તેમણે એ ઑફિસના મૅનેજર વિજય શાહને ધમકાવીને તાબામાં લીધા હતા. ત્યારે ફરી એક વાર તેમણે વિરાટભાઈ ક્યાં છે એમ પૂછતાં સ્ટાફે કહ્યું હતું કે તેઓ ગામમાં ગયા છે. એક આરોપીએ તેના સાગરીતને દશરથ માલીની હાથકડી ખોલવા કહ્યું હતું અને પછી ફરિયાદી અને દશરથને પાછા જવા કહેતાં એ લોકો પાછા દુકાને આવી ગયા હતા. દરમિયાન એ ચંડાળ ચોકડી ત્યાંથી પોબારા ગણી ગઈ હતી. 

આ પણ વાંચો:ચા લેવા સ્કૂટર પર નીકળેલા બે યુવાનનાં ફ્લાયઓવર પરથી પટકાતાં થયાં મૃત્યુ


આ બાબતે તરત જ એલ. ટી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. ૨૫ લાખ રોકડા અને ત્રણ કિલો સોનાની લૂંટ થતાં એલ. ટી. રોડ પોલીસે એને ગંભીરતાથી લઈને તરત જ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓના ફોટો મેળવી ખબરી નેટવર્કમાં એ સર્ક્યુલેટ કરીને તેમને પકડવાના પ્રયાસ ચાલુ કર્યા હતા. એલ. ટી. રોડ પોલીસને એમાં સફળતા મળી હતી અને આખરે લૂંટ થયાના ૨૪ કલાકની અંદર જ ડોંગરીમાંથી ૫૦ વર્ષના મોહમ્મદ ફઝલ સિદ્દીક ગિલીટવાલા, મલાડના માલવણીમાં રહેતા ૩૭ વર્ષના મોહમ્મદ રઝા અહમદ મોહમ્મદ રફીક ઉર્ફે સમીર અને રત્નાગિરિ જિલ્લાના ખેડની રહેવાસી વિશાખા મુધોળેને ઝડપી લીધાં હતાં અને તેમની પાસેથી ૧૫ લાખ રૂપિયા રોકડા અને ૨.૫ ​કિલો સોનું જપ્ત કર્યું હતું. તેમની પાસેથી તેમના ચોથા સાગરીતની માહિતી લઈ તેને ઝડપીને બાકીની માલમતા મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.  


25 January, 2023 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK