છેલ્લા દસ દિવસમાં ત્રણેક વાર પાઇપલાઇન ફૂટ્યા બાદ હવે મેટ્રોને પાણી ન આપવાનો તેમ જ વર્ષની શરૂઆતમાં પાઇપલાઇનને નુકસાન પહોંચાડનાર કૉન્ટ્રૅક્ટરે દંડ ન ભરતાં તેની સામે કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
વેરાવલી પાઇપલાઇનમાં પડેલા ભંગાણને લીધે લોકોએ પાંચ દિવસ સુધી પાણી વગર હેરાન થવું પડ્યું હતું અને ટૅન્કર પર આધાર રાખવો પડ્યો હતો.
મુંબઈ : કન્સ્ટ્રક્શન વર્કને કારણે પાણીની પાઇપલાઇનને થતા નુકસાનને લઈને કડક વલણ અપનાવતાં બીએમસીએ ભૂલ કરનારા કૉન્ટ્રૅક્ટરોને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. મેટ્રો લાઇન-૬ના કૉન્ટ્રૅક્ટરોને ગયા અઠવાડિયે પાણીપુરવઠો કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી તો થાણેમાંઆ વર્ષની શરૂઆતમાં પાણીની ટનલને લઈને કાયદો તોડનારને ૭૫ કરોડ રૂપિયાના દંડ માટે કોર્ટમાં બોલાવવામાં આવશે. નવાઈની વાત એ છે કે આટઆટલું થયા બાદ બીએમસીની આંખ ખુલી છે અને એ મુંબઈગરાએ જેને લીધે હેરાનગતિનો સામનો કરવો પડ્યો એ કૉન્ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
બીએમસીના ઑફિસરે જણાવ્યું હતું કે ‘બીએમસીએ પાણીની ટનલને પંક્ચર કરનાર અને ૭૫ કરોડનો દંડ ન ચૂકવનાર થાણેના બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ સિવાય થોડા દિવસ પહેલાં અંધેરીમાં સીપ્ઝ ખાતેની વેરાવલી પાઇપલાઇન તોડી નાખનાર મેટ્રો લાઇન-૬નો કૉન્ટ્રૅક્ટર દંડ નહીં ભરે તો તેને બાંધકામ માટે પાણી પૂરું પાડવામાં આવશે નહીં એવું પણ બીએમસીએ નક્કી કર્યું છે. મેટ્રો લાઇન ૬ના કૉન્ટ્રૅક્ટરને ૧.૩૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
હાઇડ્રોલિક એન્જિનિયર પુરુષોતમ માલવદેએ જણાવ્યું હતું કે અમે મેટ્રો લાઇન ૬ના કૉન્ટ્રૅક્ટરને દંડ ભરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.બીએમસીના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે એવી એજન્સીઓને નવો પાણીપુરવઠો આપવા પર પ્રતિબંધ મૂકીએ છીએ જે બાકીની રકમ ચૂકવતી નથી. જો કૉન્ટ્રૅક્ટર તેની બાકી રકમ ચૂકવશે નહીં તો અમે મેટ્રો ૬ પ્રોજેક્ટમાં નવા પાણીના જોડાણને મંજૂરી આપી શકીશું નહીં.’
બીએમસીએ અંધેરી-ઈસ્ટને ટૅન્કરો દ્વારા લગભગ ૫૦ લાખ લિટર પાણી પૂરું પાડ્યું હતું, જ્યારે વેરાવલી પાઇપલાઇનનું પાંચ દિવસમાં સમારકામ થઈ રહ્યું હતું એ દરમિયાન ખાનગી ટૅન્કરોએ લગભગ ૧૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડ્યું હતું.
જ્યારે થાણેના વાગલે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પ્લૉટ-નંબર સી-૩૦, રોડ-નંબર ૧૬ પર આવેલા આઇટી પાર્કમાં બોરવેલ ખોદતી વખતે પાણીની સુરંગમાં પંક્ચર થયું હતું. પંક્ચર થયેલી ટનલને કારણે ૮ નવેમ્બર ૨૦૨૨ અને ૨૨ એપ્રિલ ૨૦૨૩ વચ્ચે ૬૫૦ મિલ્યન લિટર પાણીનું નુકસાન થયું હતું. પાણીની પાઇપલાઇનમાં થયેલા નુકસાનને કારણે એપ્રિલમાં ૧૦ દિવસથી વધુ પાણીકાપ મુકાયો હતો. સુધરાઈએ જૂનમાં બિલ્ડરને ૭૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.