પોલીસે બાતમીના આધારે ગુરુવારે ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી હૉસ્પિટલમાં દરોડો પાડ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક ખાનગી હૉસ્પિટલમાંથી ૨૫ ગ્રામ ગાંજો જપ્ત કરી મહિલા કર્મચારી ઉપરાંત અન્ય ૩ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નારપોલી પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે ગુરુવારે ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી હૉસ્પિટલમાં દરોડો પાડ્યો હતો. હૉસ્પિટલના ઓપીડીના એક ટેબલના ડ્રૉઅરમાંથી કવરમાં વીંટાળેલો ૨૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અધિકારીએ ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે એક કર્મચારીએ જ મેડિકલ સુવિધાને બદનામ કરવાના હેતુથી અહીં ગેરકાયદે પદાર્થ રાખ્યો હતો. હૉસ્પિટલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ લોકોને ભેગા કર્યા અને આખરે પોલીસ-ફરિયાદ દાખલ કરી હતી. હૉસ્પિટલના સીઈઓની ફરિયાદના આધારે રવિવારના રોજ આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સની ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.