વકફ બોર્ડનો કાયદો રદ કરીને ૧૦ લાખ એકર જમીનમાં હિન્દુઓ માટે હૉસ્પિટલ, કૉલેજ, ઘર બનાવો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના તેલંગણના પ્રખર હિન્દુત્વવાદી વિધાનસભ્ય ટી. રાજા સિંહ
ભિવંડી તાલુકાના પડઘા ખાતે શનિવારે આયોજિત સંત સંમેલન અને હિન્દુ ધર્મસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના તેલંગણના પ્રખર હિન્દુત્વવાદી વિધાનસભ્ય ટી. રાજા સિંહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. એ સમયે ટી. રાજા સિંહે કરેલા ભાષણમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં એક લાખ અને ભારતમાં ૧૦ લાખ એકર જમીન વકફ બોર્ડ પાસે છે. વડા પ્રધાન અને મુખ્ય પ્રધાને વકફ બોર્ડનો કાયદો ખતમ કરી નાખવો જોઈએ અને આ જમીનમાં હિન્દુઓ માટે હૉસ્પિટલ, કૉલેજ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને ઘર બનાવવાં જોઈએ. લોકસભાની ચૂંટણીમાં BJPને ૪૦૦થી વધુ બેઠક મળી હોત તો ભારત હિન્દુ રાષ્ટ્ર બની જાત.’
ટી. રાજા સિંહે વધુમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં મઠ, મંદિર સુરક્ષિત નથી. છત્રપતિ શિવાજી મહારાજે ૩૭૦ કિલ્લા પર ભગવો ફરકાવ્યો હતો, પરંતુ આપણી કમનસીબી એ છે કે શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં આવેલા ૧૦૦ કિલ્લામાં મસ્જિદ અને દરગાહ બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે એ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મારું આહવાન છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા પર કરવામાં આવેલું અતિક્રમણ દૂર કરે. છત્રપતિ સંભાજી મહારાજે પણ હિન્દુત્વ માટે જીવ આપી દીધો હતો. હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનાં સૂત્રો આપવામાં આવે છે; પણ મુસ્લિમો દ્વારા લવ જેહાદ, ગૌહત્યા અને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. આ બાબતે કાયદો કેમ નથી લવાતો? હિન્દુત્વવાદી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કોનો ડર છે? તમારી પાછળ આખો હિન્દુ સમાજ ઊભો છે. મલંગગડ મુક્ત કરો. અહીં મચ્છીન્દ્રનાથ મહારાજની સમાધિ છે, પણ તે દરગાહ હોવાનું કહીને હિન્દુઓની મશ્કરી કરવામાં આવી છે. હિન્દુ હિતની વાત કરશે તે જ મહારાષ્ટ્રમાં રાજ કરશે.’
ADVERTISEMENT
હિન્દુ ધર્મસભામાં ટી. રાજા સિંહના ભાષણ બાબતે લોકસભાની ચૂંટણીમાં ભિવંડી બેઠક પરથી શરદ પવાર જૂથના ચૂંટાઈ આવેલા સંસદસભ્ય સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યામામાએ આરોપ કર્યો હતો કે ભિવંડીમાં કોમી રમખાણ કરાવવા માટેની તૈયારી ચાલી રહી છે. આ વિશે આ બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય કપિલ પાટીલે કહ્યું હતું કે ‘હું ૧૦ વર્ષ અહીં સંસદસભ્ય હતો ત્યારે એક પણ રમખાણ નહોતું થયું. અહીં હિન્દુ-મુસ્લિમ બધા સદ્ભાવથી રહે છે. હિન્દુ ધર્મસભા અને સંત સંમેલનનો કાર્યક્રમ હિન્દુ સમાજ માટે કરવામાં આવે છે. દરેકને પોતાની જાતિ અને ધર્મ પર ગર્વ હોવો જોઈએ. મારા પર લગાવવામાં આવેલા ખોટા આરોપ હું સહન નહીં કરું. કાનૂની નોટિસ મોકલીશ.’

