જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે કહ્યું હતું કે...

ફાઇલ તસવીર
૨૮ વર્ષની એક વ્યક્તિની સજા રદ કરતી વખતે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ટિપ્પણી કરી હતી કે કોઈ પણ જાતીય ઇરાદા વિના સગીર છોકરીની પીઠ અને માથા પર હાથ ફેરવવાથી તેનો વિનયભંગ થયો ન કહી શકાય.
૨૦૧૨ના આ કેસમાં ૧૨ વર્ષની છોકરીનો વિનયભંગ કરવાના કેસમાં ૧૮ વર્ષની વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ ૧૫ માર્ચ ૨૦૧૨ના રોજ તે એકલી હતી ત્યારે આરોપી દસ્તાવેજ આપવા તેના ઘરે ગયો હતો. આરોપીએ તેની પીઠ અને માથા પર હાથ ફેરવ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે તે મોટી થઈ ગઈ છે. ફરિયાદ મુજબ છોકરી અસ્વસ્થ થઈ ગઈ હતી અને તેણે મદદ માટે બૂમ પાડી હતી.
જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે સજા રદ કરતી વખતે કહ્યું હતું કે દોષિતનો કોઈ જાતીય ઇરાદો નહોતો અને તેના બોલેલા શબ્દો સૂચવે છે કે તેણે પીડિતાને બાળક તરીકે જોઈ હતી. ન્યાયાધીશે આદેશમાં કહ્યું હતું કે ૧૨-૧૩ વર્ષની પીડિત છોકરીએ પોતાના તરફથી કોઈના ખરાબ ઇરાદાની વાત નથી કરી, પરંતુ પેલી વ્યક્તિએ જે કહ્યું એ તેને ખરાબ લાગ્યું અથવા ખરાબ ઇશારો કરવામાં આવ્યો જેના કારણે તે અસહજ થઈ ગઈ. હાઈ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી એવી કોઈ બાબત રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો જેનાથી ખ્યાલ આવે કે છોકરીનો વિનયભંગ કરવા માટે વ્યક્તિનો ચોક્કસ ઇરાદો હતો.
અદાલતે કહ્યું હતું કે વિનયભંગ કરવા માટેના ઇરાદાનો અભાવ હોવા છતાં એ સમજાતું નથી કે ૩૫૪ની કલમ કેમ લાગુ કરવામાં આવી છે અને અહીં તો એ પણ સાબિત થાય છે કે પીડિતા આરોપીના અડવાથી ડરી ગઈ હતી.
આરોપીને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યો અને ૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તેણે આદેશ સામે હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે ભૂલ કરી હતી.