અર્નાળાના દરિયાકિનારે અંદાજે ૧૫૦૦ જેટલા રખડતા શ્વાન છે. એમને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
પ્રતીકાત્મક તસવીર
વિરારના અર્નાળા ગામમાં શનિવારે એક જ દિવસમાં હડકાયા થયેલા શ્વાને ૨૮ જણને બચકાં ભર્યાં હતાં. ઘાયલોમાં ૧૦ વર્ષના બાળકથી લઈને ૬૭ વર્ષની સિનિયર સિટિઝન મહિલાનો સમાવેશ થાય છે. એમાં પાછું ગ્રામપંચાયતના દવાખાનામાં અને નાની હૉસ્પિટલમાં રૅબિઝની વૅક્સિન ન હોવાથી ઘાયલ થયેલા લોકોએ દૂરની હૉસ્પિટલમાં જઈને વૅક્સિન લેવી પડી હતી.
આ પહેલાં પણ અર્નાળામાં શ્વાને લોકોને બચકાં ભર્યાં હોય એવી ઘટનાઓ બની છે. અર્નાળાના દરિયાકિનારે અંદાજે ૧૫૦૦ જેટલા રખડતા શ્વાન છે. એમને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. લોકોએ શ્વાનથી બચવા હાથમાં લાકડી લઈને નીકળવું પડે છે. હડકાયો શ્વાન હજી સુધી પકડાયો ન હોવાથી લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે. નાનાં બાળકોને તો ઘરમાં જ રાખવાં પડે છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન આ હડકાયા શ્વાનને વહેલી તકે પકડે અને અન્ય રખડતા શ્વાનથી પણ લોકોને સુરિક્ષત કરે એવી માગણી વસઈ-વિરારના લોકો કરી રહ્યા છે.