કાર ચલાવી રહેલો શુભમ પાટીલ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું છે.
આત્મજા કાસટ
પુણેના જાણીતા બિલ્ડરના નબીરાએ દારૂના નશામાં કાર ચલાવીને બે સૉફ્ટવેર એન્જિનિયરનો જીવ લેવાની ઘટના બાદ ગુરુવારે વિરારમાં પણ એક બિઝનેસમૅનના નબીરાએ રસ્તો ક્રૉસ કરી રહેલાં ૪૬ વર્ષનાં પ્રોફેસર આત્મજા કાસટને કારની ટક્કર મારીને ઉડાવ્યાં હોવાની ઘટના બની હતી. વિરારના મોટા બિઝનેસમૅનના પચીસ વર્ષના નબીરા શુભમ પ્રતાપ પાટીલે વધુ પડતી ઝડપે તેની ટૉયોટા ફૉર્ચ્યુનર કાર ચલાવવાને લીધે પ્રોફેસર હવામાં ફંગોળાઈને ડિવાઇડર પર પડ્યાં હતાં. ગંભીર ઈજા થતાં પ્રોફેસર આત્મજા કાસટનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. વિરારમાં રસ્તાઓની હાલત ખરાબ છે એમાં વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ છે ત્યારે આરોપીએ વધુ પડતી ઝડપે કાર ચલાવી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.
અર્નાળા સાગરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય પાટીલે કહ્યું હતું કે ‘વીવા કૉલેજનાં પ્રોફેસર આત્મજા કાસટ ગુરુવારે સાંજે ૬ વાગ્યે ગોકુળ ટાઉનશિપમાં મૂળજીભાઈ મહેતા સ્કૂલ પાસેથી રસ્તો ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે પૂરપાટવેગે આવી રહેલી ટૉયોટા ફૉર્ચ્યુનર કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાતાં બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. કાર ચલાવી રહેલો શુભમ પાટીલ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું છે. અમે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.’


