એસએસસી બોર્ડે પરીક્ષા આપવા માટે રૅશનકાર્ડ, એમએલએ લેટર અને બૉનાફાઇડ સર્ટિફિકેટનો અસ્વીકાર કરીને ડૉમિસાઇલ સર્ટિફિકેટની માગણી કરતાં સ્ટુડન્ટે આવું કહ્યું
મને પરીક્ષા આપવા દો સાહેબ!
મુંબઈ : મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ અને માધ્યમિક બોર્ડે ૧૭ વર્ષના એક વિદ્યાર્થીને માર્ચમાં આવનારી તેની એસએસસીની પરીક્ષા આપવા માટે યોગ્ય નહોતો માન્યો. એનું કારણ એ આપવામાં આવ્યું કે તેની પાસે મહારાષ્ટ્રમાં રહેવાસી તરીકેના પૂરતા પુરાવા નથી. બોર્ડના નિયમ અનુસાર એસએસસી કે એચએસસીની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ બે વર્ષનાં રેસિડેન્ટ પ્રૂફ જમા કરાવવાં પડે છે. જોકે બે વર્ષનું રેશનકાર્ડ બોર્ડે નકારી કાઢ્યું હતું અને ડોમિસાઇલ સર્ટિફિકેટની માગણી કરી હતી, જે મુંબઈમાં ઓછામાં ઓછાં ૧૦ વર્ષના રહેવાસીનું બને છે.
આસિફ ખાન (૧૭ વર્ષ)ના પિતા કિડનીની સમસ્યાથી પીડાતા હોવાથી તેઓ ૨૦૧૮માં ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ઘાટકોપર શિફ્ટ થયા હતા. શિવડીની ગુરુ ગોવિંદ સ્કૂલમાં આસિફે ઍડ્મિશન લીધું ત્યારે બૉનાફાઇડ પ્રમાણપત્ર આપ્યું હતું, જે સુલતાનપુરની સ્કૂલ દ્વારા તૈયાર થયેલું હોવાથી મુંબઈની શાળાએ નકાર્યું હતું. શિવડીના વિધાનસભ્ય અજય ચૌધરીએ રહેણાકના પુરાવા તરીકે પત્ર લખ્યો હતો, જે પણ એસએસસી બોર્ડે નકાર્યો હતો.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં આસિફનાં ભાભી ફાતિમા ખાને કહ્યું હતું કે ‘ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર ન હોવા છતાં બોર્ડ અમને એ માટે દબાણ કરે છે. અમે બોર્ડને રૅશનકાર્ડને માન્ય ગણવા માટે અને એના આધારે પરીક્ષા આપવાની મંજૂરી આપવા માટે કહ્યું હતું. એમ નહીં થાય તો આ દસ્તાવેજના કારણે આસિફનું એક વર્ષ ફરી બગડશે. કોવિડમાં પણ તેનું વર્ષ બગડી ચૂક્યું છે.’
‘મિડ-ડે’એ મુંબઈ ડિવિઝનલ બોર્ડનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું સ્ટુડન્ટ પરીક્ષા આપી શકે એ માટે તેઓ મદદ કરશે.
મુંબઈ ડિવિઝન બોર્ડના ચૅરમૅન નીતિન ઉપાસનીએ જણાવ્યું હતું કે ‘બે વર્ષના રેસિડન્ટ પ્રૂફમાં ડોમિસાઇલનો સમાવેશ થાય છે. ડૉક્યુમેન્ટ્સ પૂરતા હશે તો અમે ચોક્કસ તેને પરીક્ષા આપવાની મંજૂરી આપીશું.’


