Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છેને ક્યુટ કપલ! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિથી થઈ સગાઈ

છેને ક્યુટ કપલ! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિથી થઈ સગાઈ

20 January, 2023 09:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત તથા શૈલા અને વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગઈ કાલે મુંબઈમાં પરંપરાગત વિધિથી સગાઈ થઈ હતી અને આ પ્રસંગે અનંતનાં માતા નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક પર્ફોર્મન્સ પણ યોજવામાં આવ્યો હતો.

તસવીર : સતેજ શિંદે

તસવીર : સતેજ શિંદે


ગોળધાણા અને ચૂંદડીની વિધિ બાદ બન્નેએ એકબીજાને રિંગ પહેરાવી

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ગઈ કાલે ​​અંબાણી નિવાસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં પવિત્ર પરંપરાઓનું અનુસરણ કરવાની સાથે ઔપચારિક રીતે સગાઈ કરી હતી.



ગુજરાતી હિન્દુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળધાણા અને ચૂંદડીની વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવાના સ્થળે ખૂબ જ ઉત્સાહથી નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતનાં માતા નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક પર્ફોર્મન્સ યોજવામાં આવ્યો હતો.


ગોળધાણા ગુજરાતી પરંપરાઓમાં લગ્ન પહેલાંનો સમારંભ છે, જે સગાઈ સમાન છે. ગોળધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરીત કરવામાં આવે છે. કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ પહેરાવે છે. રિંગની આપ-લે કર્યા પછી દંપતી તેમના વડીલોના આશીર્વાદ લે છે.

સાંજના પ્રસંગની શરૂઆત અંબાણી પરિવારના સભ્યોએ અનંતની બહેન ઈશાની આગેવાનીમાં રાધિકા અને તેમના પરિવારને સાંજના ફંક્શનમાં આમંત્રિત કરવા મર્ચન્ટ પરિવારના ઘરે જઈને થઈ હતી. અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


બંને પરિવારો અનંત અને રાધિકા સાથે તેમના ભાવિ બંધન અને સાંજના સમારંભો માટે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા. ત્યાંથી બધા સમારંભ-સ્થળ પર ગયા હતા અને ત્યાર બાદ ગણેશપૂજાથી કાર્યોની શરૂઆત કરી પરંપરાગત લગ્નપત્રિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. ગોળધાણા અને ચૂંદડીની વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી. નીતા અંબાણીની આગેવાની હેઠળ અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરી દેતી એક નૃત્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી જેનાથી ઉપસ્થિત તમામ લોકોમાં ઉત્સાહ અને પારિવારિક બંધનનું તત્ત્વ ખીલી ઊઠ્યું હતું. ત્યાર બાદ બહેન ઈશાએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી હતી અને અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી હતી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માગ્યા હતા.

અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને આજની સગાઈની વિધિ તેમને આગામી મહિનાઓમાં તેમના લગ્નની વધુ નજીક લાવશે. બંને પરિવારોએ રાધિકા અને અનંતને આશીર્વાદ આપ્યા હતા અને શુભકામનાઓ ઇચ્છી હતી.

નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતે યુએસએની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યારથી જિયો પ્લૅટફૉર્મ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપે છે. તેઓ હાલમાં આરઆઇએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. શૈલા અને વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા ન્યુ યૉર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકૅરના બોર્ડમાં ડિરેક્ટર છે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK