Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારે વિરોધને પગલે ગુજરાતની ચૂંટણી પછી રાજ્યપાલની બદલી થવાની શક્યતા

ભારે વિરોધને પગલે ગુજરાતની ચૂંટણી પછી રાજ્યપાલની બદલી થવાની શક્યતા

03 December, 2022 12:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજેએ ચિંતા વ્યક્ત કરતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કેન્દ્રમાં વાત કરી હોવાનું કહેતાં ભગત સિંહ કોશ્યારીની ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાંથી વિદાય થવાની શક્યતા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે વિરોધનો સામનો કરી રહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ગુજરાતની ચૂંટણી પૂરી થયા બાદ મહારાષ્ટ્રમાંથી બદલી કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યપાલ વિશે છત્રપતિના વંશજ ઉદયનરાજેએ આક્રોશ વ્યક્ત કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કેન્દ્રમાં રજૂઆત કરી હોવાનું કહ્યું છે. આથી પણ ભગતસિંહ કોશ્યારીની મહારાષ્ટ્રમાંથી આ મહિનામાં જ વિદાય થવાની ચર્ચા શરૂ થઈ છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સામે છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એટલે છત્રપતિના વંશજ ઉદયનરાજે ભોસલેએ નારાજગી દર્શાવી છે અને તેમણે આજે શિવસન્માન કાર્યકમનું આયોજન હાથ ધર્યું છે. તેઓ તેમના સમર્થકો સાથે આજે રાયગડના કિલ્લામાં પહોંચશે અને પોતાની વાત રજૂ કરશે.


સંજય રાઉતના નિવેદનનો બે સંજયે આપ્યો સણસણતો જવાબ
ઉદ્ધવ ઠાકરે જૂથના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ગઈ કાલે શિવસેનામાં બળવો કરનારાઓ વિશે કહ્યું હતું કે ‘અમિતાભની એક ફિલ્મમાં ‘મેરા બાપ ચોર હૈ’ એવું હાથ પર લખ્યું હતું એવી જ રીતે આ લોકોના માથા પર કાયમ માટે ગદ્દાર લખાઈ ગયું છે. આ કલંક તેમની આગામી પેઢીઓ સુધી રહેશે.’


એકનાથ શિંદે જૂથના બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે આનો  જવાબ આપતાં કહ્યું હતું કે ‘સંજય રાઉત, તું ફરી આવી ભાષા બોલતો નહીં. ચૂંટણીઓમાં અમે હારીશું કે જીતીશું એનો નિર્ણય જનતા કરશે. તમે કૉન્ગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા એ જનતાને પસંદ નથી. શિવસેના-બીજેપીની યુતિ તરીકે લોકોએ અમને વિજય અપાવ્યો હતો. અમિતાભ બચ્ચનનો ડાયલૉગ ફિલ્મ માટે બરાબર છે, પણ મહારાષ્ટ્રમાં અમારી કેટલી બેઠકો આવે છે અને તમારી કેટલી એ જોઈશું.’

સંજય ગાયકવાડે આ સમયે કેટલાક અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. શિંદે જૂથના બીજા વિધાનસભ્ય સંજય સિરસાટે પણ સંજય રાઉત પર હુમલો કરતાં કહ્યું હતું કે ‘સંજય રાઉતને પગ નીચે કચડાયેલું કૂતરું કરડ્યું છે. પોતાનું ઘર સંભાળો. શા માટે અક્કલનું પ્રદર્શન કરો છો. આ જ માણસ રાજ્યસભાની ચૂંટણી વખતે અમારા પગે પડતો હતો. અમે મતદાન કર્યું એટલે જ તેઓ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.’


કર્ણાટકે મહારાષ્ટ્રના પ્રધાનોને ન આવવાનો સંદેશ મોકલ્યો
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે લાંબા સમયથી સીમા બાબતે ઝઘડો ચાલી રહ્યો છે. અત્યારની એકનાથ શિંદે અને કેન્દ્રની બીજેપીની આગેવાનીની સરકાર આ ઝઘડો પતાવવા માટેના પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈ ૬ ડિસેમ્બરે કર્ણાટકની મુલાકાત લેવાના છે. જોકે કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્માઈએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કર્ણાટક સરકારના મુખ્ય સચિવોએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને અત્યારે મહારાષ્ટ્રના પ્રધાનોને કર્ણાટકના બેલગામ ન મોકલવાનો સંદેશ મોકલ્યો છે. અત્યારે બંને રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલ કર્ણાટક ન આવે તો સારું.’

03 December, 2022 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK