પોલીસે છ હોટેલમાં દરોડા પાડીને ૧૫ યુવતીઓનો છુટકારો કરાવ્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી
પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી
સાંઈબાબાને લીધે પવિત્ર ગણાતા શિર્ડીમાં દરરોજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જાય છે. માનતા પૂરી થયા બાદ ભક્તો દ્વારા સાંઈબાબાનાં ચરણે સોનું, ચાંદી, હીરા અને રોકડ રકમ દાનમાં આવે છે એ ચર્ચાનો વિષય રહે છે. જોકે શિર્ડી હવે બીજા કારણસર ચર્ચામાં આવ્યું છે. શિર્ડીની હોટેલોમાં દેહવેપાર કરવા માટે યુવતીઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ થયા બાદ શુક્રવારે રાત્રે પોલીસે છ હોટેલમાં દરોડા પાડીને ૧૫ યુવતીઓનો છુટકારો કરાવ્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.
શિર્ડીની હોટેલોમાં સેક્સ-રૅકેટ ચાલતું હોવાની બાતમી મળ્યા બાદ શુક્રવારે રાત્રે સ્થાનિક પોલીસે છ હોટેલમાં દરોડા પાડ્યા હતા. પોલીસે હોટેલોની રૂમમાં જઈને તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે અહીં દેહવ્યવસાય કરવા માટે ૧૫ યુવતીઓને બહારથી લાવવામાં આવી છે. આ યુવતીઓની સાથે પોલીસે હોટેલના સ્ટાફ અને ગ્રાહકો સહિત ૧૧ લોકોને તાબામાં લીધા હતા.
ADVERTISEMENT
તાબામાં લેવામાં આવેલી યુવતીઓની પોલીસે કરેલી પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે સાંઈબાબાનાં દર્શને આવતા ભક્તો જ્યારે હોટેલમાં રોકાય છે ત્યારે તેમને યુવતીઓ પૂરી પાડે છે. આ સાંભળીને પોલીસ ચોંકી ઊઠી હતી.
શિર્ડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નંદકુમાર દુધાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તો આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ભક્તોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેમના રોકાણ માટે અસંખ્ય હોટેલો બની ગઈ છે. આથી ખોટું કામકાજ કરતા કેટલાક લોકોએ અહીં ગ્રાહકોને યુવતીઓ પૂરી પાડવાની શરૂઆત કરી હોવાની બાતમી મળી હતી. મુંબઈ અને પુણેથી લાવવામાં આવેલી યુવતીઓને હોટેલમાં ખોટા નામે એન્ટ્રી આપવામાં આવી હોવાનું જણાતાં અમે ૧૧ લોકોની ધરપકડ કરી હતી અને દેહવ્યવસાય માટે લાવવામાં આવેલી ૧૫ યુવતીઓને તાબામાં લીધા બાદ તેમને મહિલા સુધારગૃહમાં મોકલી આપી હતી.’


