એસી ટૅક્સીની મુસાફરી માટે પૅસેન્જરોએ મુંબઈથી નાશિક માટે ૧૦૦ રૂપિયા અને શિર્ડી માટે ૨૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈથી નાશિક, શિર્ડી અને પુણે રૂટ પર શૅર-અ-ટૅક્સી સર્વિસનું ભાડું ૫૦થી ૨૦૦ રૂપિયા જેટલું વધારવામાં આવ્યું છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (MMRTA)એ તાજેતરની મીટિંગ બાદ આ ત્રણ રૂટ પર બ્લૅક ઍન્ડ યલો નૉન-એસી ટૅક્સી અને બ્લુ ઍન્ડ સિલ્વર એસી ટૅક્સીના ફેર વધારવાની મંજૂરી આપી હતી. એસી ટૅક્સીની મુસાફરી માટે પૅસેન્જરોએ મુંબઈથી નાશિક માટે ૧૦૦ રૂપિયા અને શિર્ડી માટે ૨૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. પુણે માટે એસી અને નૉન-એસી ટૅક્સી બન્ને માટે ૫૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. મુંબઈ-નાશિક અને મુંબઈ-શિર્ડી રૂટ પર એસી ટૅક્સીનું ભાડું અનુક્રમે ૫૭૫ રૂપિયા અને ૮૨૫ રૂપિયા થઈ જશે તો મુંબઈ-પુણે રૂટ પર નૉન-એસી ટૅક્સીનું ભાડું ૫૦૦ રૂપિયા અને એસી ટૅક્સીનું ભાડું ૫૭૫ રૂપિયા થશે. ઑથોરિટીએ જણાવ્યું હતું કે નવું ભાડું આવતા મહિનાથી લાગુ થાય એવી શક્યતા છે.