પક્ષમાં ભંગાણ પડ્યા બાદ પક્ષની દાવેદારી બાબતે દાખલ કરવામાં આવેલી અરજીની ૬ ઑક્ટોબરે દિલ્હીમાં સુનાવણી થશે

ફાઇલ તસવીર
એનસીપીના સ્થાપક અધ્યક્ષ શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ૬ ઑક્ટોબરે દિલ્હીમાં પક્ષની દાવેદારી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે તેઓ પ્રત્યક્ષ રીતે હાજર રહેશે. એનસીપીમાં ભંગાણ પડ્યા બાદ શરદ પવાર અને અજિત પવાર જૂથે પક્ષ પર દાવો કરતી અરજી કરી છે.
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ગઈ કાલે પુણેમાં આવેલા જુન્નરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘બધા જાણે છે કે એનસીપીની સ્થાપના કોણે કરી હતી. ચૂંટણી પંચ તરફથી મને સમન્સ મળ્યા છે એટલે ૬ ઑક્ટોબરે દિલ્હીમાં હાથ ધરાનારી ચૂંટણી પંચની સુનાવણીમાં હું હાજર રહીશ. સામાન્ય માણસ શું વિચારે છે એ મહત્ત્વનું છે. કેટલાક લોકોએ જુદું રાજકીય સ્ટૅન્ડ લીધું છે એ વિશે હું કોઈ ટિપ્પણી કરવા નથી માગતો, કારણ કે લોકતંત્રમાં તેમને આમ કરવાનો અધિકાર છે. જોકે મહારાષ્ટ્ર અને આખો દેશ જાણે છે કે એનસીપીની સ્થાપના કોણે કરી હતી. બીજેપી સાથે હાથ મિલાવનારાઓનો હવે એનસીપી સાથે કોઈ સંબંધ નથી. અમે આ મામલે કોઈ બાંધછોડ ન કરી શકીએ.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે બીજી જુલાઈએ અજિત પવાર શરદ પવાર સાથેનો છેડો ફાડીને એનસીપીના આઠ વિધાનસભ્યો સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકારમાં સામેલ થઈ ગયા હતા. પક્ષમાં ભંગાણ થયા બાદ અજિત પવાર અને શરદ પવાર જૂથ દ્વારા પક્ષ માટે દાવો કરવામાં આવી રહ્યો છે.
વર્ષા બંગલામાં બેઠક
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં શનિવારે રાત્રે એક બેઠક થઈ હતી, જેમાં મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મહત્ત્વના ત્રણ મુદ્દા પર બે કલાક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બેઠકમાં મરાઠા અને ઓબીસી આરક્ષણ, પ્રધાનમંડળના વિસ્તરણ અને કાંદાના વેપારીઓની હડતાળ બાબતે ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ બેઠક બાદ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સામેલ થવા માટે રવાના થયા હતા. ગણેશોત્સવમાં અજિત પવાર વિવિધ ગણેશ મંડળોની સાથે દેવેન્દ્ર ફડણવીસના ઘરે દર્શન કરવા ગયા હતા, પરંતુ અજિત પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે જવાનું ટાળ્યું હતું. આથી તેઓ નારાજ હોવાની ચર્ચા છે. આ વચ્ચે વર્ષા બંગલામાં મળેલી બેઠક મહત્ત્વની હોવાનું જાણવા મળ્યું હતું.
બાળબુદ્ધિ પર શું બોલું?
લંડનથી જે વાઘનખ ભારત લાવવામાં આવી રહ્યા છે એ છત્રપતિ શિવાજી મહારાજે વાપરેલા છે? આ વાઘનખ લોન પર લાવવામાં આવશે કે કાયમ અહીં રહેશે? એવો સવાલ વરલીના વિધાનસભ્ય અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે કર્યો છે. આ વિશે સવાલ પૂછવામાં આવતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને જવાબ આપ્યો હતો કે ‘સંજય રાઉતે છત્રપતિના વંશજો પાસેથી પુરાવા માગ્યા હતા. આથી આવા લોકો પાસેથી શું અપેક્ષા રાખીએ? પુરાવા માગવા એ તેમની પરંપરા છે. આથી હું બાળબુદ્ધિ પર શું બોલું?’
શિવસેના શિવાજીના અસલી વાઘનખ
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે દાવો કર્યો છે કે શિવસેના જ શિવાજી મહારાજના અસલી વાઘનખ છે. બીજેપીએ ભંગાણ પડાવીને શિવસેનાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન સુધીર મુનગંટીવાર તેમના વિભાગના અધિકારીઓ સાથે આવતી કાલે લંડન વાઘનખ ભારત લાવવા માટે જવાના છે. ૧૬૫૯માં છત્રપતિ શિવાજી મહારાજે બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનનો વધ વાઘનખથી કર્યો હતો. સંજય રાઉતે આ વિશે કહ્યું હતું કે ‘પોતાના રક્ષણ માટે છત્રપતિ શિવાજી મહારાજે વાઘનખનો ઉપયોગ કર્યો હતો એને ભારત લાવવાનો કોઈ મતલબ નથી. તમે આ વાઘનખને ભારત લાવીને શું કરશો? છત્રપતિ શિવાજી મહારાજના અસલી વાઘનખ શિવસેના છે. બીજેપીએ ભંગાણ પડાવીને શિવસેનાને નબળી પાડી દીધી છે. આમ કરીને બીજેપીએ મહારાષ્ટ્રને દિલ્હીનું ગુલામ બનાવી દીધું છે.’
ડીજે, ડૉલ્બી, લેઝર લાઇટ ટાળો
બે દિવસ પહેલાં પૂરા થયેલા રાજ્યના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ડીજે, ડૉલ્બી અને લેઝર લાઇટનું પ્રમાણ વધ્યું છે. એને લીધે લોકોને કાયમી બહેરાશ આવી શકે છે અથવા તો કેટલાક લોકોને આંખની તકલીફ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજ ઠાકરેએ આ વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘હિન્દુઓના દરેક તહેવાર ભારે ઉત્સાહથી ઊજવવા જોઈએ, પણ આપણે વધારે પડતા અવાજ અને લેઝર લાઇટને લીધે થઈ રહેલું નુકસાન પણ જોવું જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષથી આ દૂષણમાં વધારો થયો છે. ૨૪ કલાક સુધી કાન ફાડી નાખે એવો અવાજ સહન કરવો મુશ્કેલ છે. હું આ બાબતે સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓને મળીને વાત કરીશ.’

