Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાઇમરી સ્કૂલ ૯ વાગ્યે શરૂ કરવાના નિર્ણયથી પેરન્ટ્સ રાજી-રાજી થઈ ગયાં છે

પ્રાઇમરી સ્કૂલ ૯ વાગ્યે શરૂ કરવાના નિર્ણયથી પેરન્ટ્સ રાજી-રાજી થઈ ગયાં છે

10 February, 2024 07:54 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

૨૦૨૩ના ડિસેમ્બરમાં રાજ્યપાલ રમેશ બૈંસે સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરતી વખતે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-’૨૫થી પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક વર્ગો સવારે ૯ વાગ્યા પહેલાં લેવામાં નહીં આવે એવું એક સરકારી જીઆર રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગે ગુરુવારે બહાર પાડ્યું હતું. એમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સ્કૂલોને, બોર્ડ ઑફ એફિલિયેશનને ધ્યાનમાં લીધા વિના પૂર્વ-પ્રાથમિકથી ચોથા ધોરણ સુધીના વર્ગો સવારે ૯ વાગ્યાથી અથવા એ પછી ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બદલાયેલી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ સમયની જરૂરિયાત હોવાનું અને મોડી રાતે સૂતા હોવાને કારણે અપૂરતી ઊંઘ થતાં બાળકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નિર્માણ થાય છે. શિક્ષણ વિભાગ દ્વારા આવેલા આ જીઆરને કારણે મુંબઈની અનેક સ્કૂલ સંસ્થાઓ અને ‌એજ્યુકેશનલિસ્ટ્સ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે મુંબઈના મોટા ભાગના ‌વિદ્યાર્થીઓના પેરન્ટ્સ સહિત ‌પીડિયાટ્રિશ્યને સરકારના આ ન‌િર્ણયને ખૂબ રાજી થઈને સ્વીકાર્યો છે. ‘મિડ-ડે’એ અમુક પેરન્ટ્સ, શૈક્ષ‌ણિક સંસ્થાઓ સાથે જોડાયેલા સહિત પીડિયાટ્રિશ્યનની સાથે વાતચીત કરી છે.

૨૦૨૩ના ડિસેમ્બરમાં રાજ્યપાલ રમેશ બૈંસે સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરતી વખતે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તાજેતરના સમયમાં દરેક વ્યક્તિની ઊંઘનો સમય બદલાયો છે. ઘણાં બાળકો અડધી રાત પછી પણ જાગતાં હોય છે છતાં તેમણે સ્કૂલ જવા માટે વહેલાં જાગવું પડે છે.’ 
ગવર્નર દ્વારા નિર્દેશ સ્વીકારતાં આ જીઆર જણાવે છે કે બદલાયેલી જીવનશૈલી, વિવિધ આધુનિક મનોરંજન ઉપકરણો અને મોડી રાત સુધી તમામ પ્રકારના ઘોંઘાટ સાથે ચાલુ રહેતા શહેરના જીવનને ધ્યાનમાં લેતાં લોકો સાથે બાળકો પણ મોડાં સૂએ છે. એનાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. જીઆરમાં ધુમ્મસ અને વરસાદ દરમ્યાન મુસાફરીની મુશ્કેલીઓ સહિત વહેલી સવારની સ્કૂલ માટે માતા-પિતાના સંઘર્ષ વિશે પણ વાત કરવામાં આવી છે.અનેક શૈક્ષ‌ણિક સંસ્થાઓ સાથે ઇન્ટરનૅશનલ સ્કૂલ અસોસિએશનના મેમ્બર્સનાં ચૅરપર્સન કવિતા અગ્રવાલે જણાવ્યું કે ‘સ્કૂલનો સમય બાળકોમાં શિસ્ત લાવે છે. સરકારે એને બદલે માતા-પિતાને તેમનાં બાળકો વહેલાં સૂઈ જાય એની ખાતરી કરાવવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ.’


ઊંઘ પૂરી થાય એ મહત્ત્વનું
મીરા રોડમાં રહેતાં અને ત્રીજા ધોરણમાં ભણતી દીકરીનાં મમ્મી ગીતા ખુમાણે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘એક વખત જમવાનું ન મળે ચાલી શકે, પરંતુ ઊંઘ આઠ કલાકની પૂરી થવી જરૂરી છે. આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ, પણ કોઈ કાર્યક્રમ હોય કે બાળક રમવા જાય તો તેઓ આવીને સૂઈ જાય એવું શક્ય બનતું ન હોવાથી બાળકને સૂવામાં સમય લાગતો હોય છે. સવારે ૭ વાગ્યાની સ્કૂલ માટે પેરન્ટ્સ સહિત બાળકે પણ વહલું ઊઠવું પડે છે. બાળક અડધી ઊંઘમાંથી ઊઠે તો પણ સ્કૂલ જઈને સવારના લેક્ચરમાં તો તે ઊંઘમાં જ હોય છે એટલે ૯ વાગ્યા સુધીની સ્કૂલ થાય તો થોડી ઊંઘ મળી રહે અને તો ખૂબ સારું થશે.’

નાસ્તો પણ કરી શકતાં નથી
‌બીજા ધોરણમાં ભણતી દીકરાનાં મમ્મી હિરલ લીંબાણીએ કહ્યું કે ‘સ્કૂલનો સમય સવારે સવાસાત વાગ્યાનો છે તો બાળકને સવારે ૬ વાગ્યે ઉઠાડવું પડે છે. રાતે સાડાનવ-દસ વાગ્યે બાળકને સુવડાવવું શક્ય જ નથી. બાળક સ્કૂલથી ટ્યુશનમાં જઈને આવે અને જમે ત્યાં રાતે સાડાનવ વાગી જાય છે. જમીને બાળક તરત સૂતું નથી. બાળકને રમવા ન મોકલીએ તો તેઓ સોશ્યલાઇઝ્ડ પણ કઈ રીતે થવાનાં છે એટલે સવારે ૬ વાગ્યે તો માંડ-માંડ ઉઠાડીએ છીએ. એવામાં ઠંડીના સમયે તો પેરન્ટ્સે એટલું જલદી ઊઠવાનું ભારે પડી જાય છે. તેમને ઊંઘમાં જ તૈયાર કરીએ અને સ્કૂલ મોકલીએ તો બાળક નાસ્તો પણ કરી શકતું નથી. જો નાસ્તો આપીએ તો ધીરે-ધીરે ખાય અને ૭.૨૦ વાગ્યે સ્કૂલનો ગેટ બંધ થઈ જાય છે. એટલે બાળક નાસ્તો કર્યા વગર જતું રહે છે. એટલે સ્કૂલ થોડી મોડી હોય તો બાળક કંઈક ખાઈને જઈ શકે.’


સવારના રુટિન માટે પણ સમય રહેતો નથી
બાંદરામાં રહેતાં પેરન્ટ ઊર્મિલા ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા લોકો પણ સવારના સમયે ઊઠીને આરામથી બ્રશ કરી ચા-પાણી પીને સવારની પ્રક્રિયાથી લઈને અન્ય કામ કરે છે, પરંતુ બાળક પાસે સવારે આ બધી પ્રક્રિયા માટે સમય જ બચતો નથી, એટલે તેમની સવારની પ્રક્રિયા પર અસર થાય છે અને દિવસમાં બાળક ગમે ત્યારે ટૉઇલેટ જાય છે. સવારે જલદી ઉઠાડવાનો પ્રયાસ કરીએ, પણ બાળક વહેલું ઊઠતું જ નથી. એમાં પરિવારના અન્ય સભ્યોને પણ ઑફિસ જવાનું હોય એટલે દોડાદોડ થઈ જાય છે એટલે સ્કૂલનો સમય મોડો કરવામાં આવે તો બાળક સાથે પેરન્ટ્સને પણ રાહત મળી રહેશે.’

સ્કૂલથી દૂર રહેતા હોય એવા વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલી
મોટા ભાગના સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલથી થોડે દૂર રહેતા હોય છે, એમ કહેતાં ચેમ્બુર રહેતાં ભાવિકા વાઘેલાએ જણાવ્યું કે ‘મારી ૭ વર્ષની દીકરી છે અને નાનો દીકરો હજી ચાર મહિનાનો છે. જેને બે બાળકો હોય તેમણે વહેલી સવારે બાળકોને મોકલવાનું મુશ્કેલ થઈ જાય છે. એવામાં સ્કૂલથી દૂર રહેતા વિદ્યાર્થીઓ સ્કૂલબસમાં જાય છે અથવા પેરન્ટ્સે તેમને મૂકવા જવું પડે છે. સ્કૂલથી દૂર રહેતા વિદ્યાર્થીઓએ વહેલાં ઊઠવું પડે છે. એટલે સરકારે સ્કૂલ મોડી કરવાનો નિર્ણય ખૂબ સારો લીધો છે.’
સરકાર નવા સ્ટાફની નિયુક્તિને માન્ય કરશે?

આ ‌વિશે ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (ટીડીએફ)ના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સવારે ૯ વાગ્યા પછીની એક વધારાની શિફ્ટ કરે તો મૅનેજમેન્ટ આવશ્યક શિક્ષકોને કાયમી ધોરણે નોકરી પર નિયુક્ત કરવા તૈયાર થશે? મુંબઈમાં અનેક સ્કૂલોમાં જગ્યાનો અભાવ છે એ સ્થિતિ અનુસાર બે શિફ્ટમાં સ્કૂલો કાર્ય કરે છે, જેને શક્ય નથી એ મૅનેજમેન્ટે એવામાં સવારે ૯ વાગ્યા પછીની એક અલગ શિફ્ટ કઈ રીતે ગોઠવવી? ૧થી ૪ ધોરણ સુધીનાં બાળકોને બપોરના સમયની જ સ્કૂલો હોય છે, પણ જે સ્કૂલો નાનાં બાળકોને સવારની શિફ્ટમાં બોલાવે છે એણે બાળકોને નવા નિયમ મુજબ બપોરની બીજી શિફ્ટમાં બોલાવવાં જરૂરી છે, જેથી નાનાં બાળકોને અન્યાય ન થાય.’

પીડિયાટ્રિશ્યન શું કહે છે?

છેલ્લાં ૪૫ વર્ષથી પીડિયાટ્રિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરતા કેમ્પ્સ કૉર્નરમાં આવેલી ચિયર્સ ચાઇલ્ડ કૅરના પીડિયાટ્રિશ્યન અને રિલાયન્સ ફાઉન્ડેશન સર એચ. એન. હૉસ્પિટલમાં કાર્યરત ડૉ. પંકજ પારેખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સરકારે નાનાં બાળકો માટે લીધેલો આ ‘ફેર’ નિર્ણય છે. મારા મતે તો ચોથા ધોરણ સુધીના વિદ્યાર્થીઓનો સવારે ૯ વાગ્યાનો નહીં, પણ સાડાનવ વાગ્યાનો સમય કરવો જોઈએ. આજકાલ મોટા ભાગના બન્ને પેરન્ટ્સ વ‌ર્કિંગ હોય છે અને ખાસ કરીને મુંબઈના પેરન્ટ્સની લાઇફ તો મુંબઈની લોકલ ટ્રેન જેવી હોય છે. પેરન્ટ્સ નોકરી પરથી ઘરે આવે અને જમે તો સૂતાં તો મોડું થઈ જ જાય છે. જ્યાં સુધી પેરન્ટ્સ સૂવાના નથી ત્યાં સુધી તેમનું બાળક સૂવાનું નથી. આવાં બધાં શેડ્યુલ વચ્ચે બાળકને સવારે સવાસાત કે સાડાસાતની સ્કૂલ માટે તૈયાર કરવું મુશ્કેલ બની જાય છે. ન તો બાળકની કે તેમના પેરન્ટ્સની પૂરતી ઊંઘ થતી હોય છે કે ન તો તેઓ નાસ્તો કરી શકતા હોય છે. મોડું થતાં અનેક વખત તો બાળક નાહ્યા વગર જ સ્કૂલ જાય છે. પેરન્ટ્સ માટે પણ બાળકને તૈયાર કરીને તેનું ‌ટિફિન બનાવવું વગેરેમાં ખરી એક્સરસાઇઝ થઈ જાય છે, જે બન્ને માટે જોખમી છે. ઊંઘ પૂરી થશે તો બાળક વધુ કૉન્સન્ટ્રેશન કરી શકશે એ વાત નક્કી છે એટલે નવ નહીં, પણ સાડાનવ વાગ્યાનો સ્કૂલનો સમય રાખે તો સારું કહેવાય.’

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 07:54 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK