પૂરઝડપે જઈ રહેલી એસયુવીએ કન્ટેનરને પાછળથી ટક્કર મારતાં ફૉર્ચ્યુનરનો વળ્યો કચ્ચરઘાણ, પણ સીટ-બેલ્ટે બચાવી લીધા
સીટબેલ્ટ પહેરીને મોતને આપી હાથતાળી
વિલે પાર્લે-વેસ્ટના બજાજ રોડ પર રહેતા અને દમણ પાસે કેબલની ફૅક્ટરી ધરાવતા જીત મૈતિલિયાએ ગુરુવારે મોતને બહુ જ નજીકથી જોયું હતું. તેમની એસયુવી ટૉયોટા ફૉર્ચ્યુનરનો ગંભીર અકસ્માત થયો હતો. જોકે તેણે તેના પપ્પા બિમલ મૈતિલિયાએ નક્કી કરેલા નિયમ મુજબ અને એ વખતે તેના પપ્પા સહિત બધાએ (કુલ પાંચ પૅસેન્જર) સીટ-બેલ્ટ પહેર્યા હતા એટલે આટલો ગંભીર અકસ્માત થવા છતાં એ બધાને નાની-મોટી ઈજા થઈ હતી, પણ જીવ બચી ગયા હતા.
મુંબઈ–અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લામાં ધાનીવરી ગામ પાસેના ગોટીપાડા પાસે ગુરુવાર, ૨૩ માર્ચે બપોરે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન આ ગોઝારો અકસ્માત થયો હતો. ડ્રાઇવર ઉમેશ મલેકર એસયુવી ડ્રાઇવ કરી રહ્યો હતો. તેઓ વાપીથી મુંબઈ પાછા આવી રહ્યા હતા. ઉમેશ મલેકરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આગળ જઈ રહેલા કન્ટેનરના ડ્રાઇવરે પહેલાં રાઇટમાં જવાનો વિચાર કરીને એ તરફ કન્ટેનર લીધું હતું, પણ એ પછી એ વિચાર માંડી વાળ્યો અને પાછું લેફ્ટમાં જ રાખ્યું. એને કારણે અમે કાર સહેજ આગળ લીધી હતી અને ત્યારે અકસ્માત થયો હતો. અમે તેની રાઇટ સાઇડમાં હતા અને અમારી ગાડી તેની સાથે લેફ્ટ સાઇડથી અથડાઈ હતી.’
ADVERTISEMENT
ડ્રાઇવર ઉમેશની બાજુમાં આગળ પિલિયન સીટ પર બેસેલા જીત મૈતિલિયાએ આ ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગાડી ઘસાયા બાદ બે-ત્રણ વખત પલટી મારી ગઈ હતી. થોડી ક્ષણો પછી મારી આંખ ખૂલી ત્યારે જોયું તો હું ઊંધો લટકી રહ્યો હતો. કાર આખી અપસાઇડ ડાઉન હતી અને સ્કિડ થઈ રહી હતી એ મૂવમેન્ટમાં હતી. ત્યાર પછી એ થોભી જતાં મને કળ વળી એટલે હું સીટ-બેલ્ટ ખોલી ભાંખોડિયાં ભરીને બહાર આવ્યો. મારી પાછળની સીટ પર ટપુ અને એક અંકલ હતા અને મારા પપ્પા સૌથી છેલ્લી સીટમાં હતા. તે બહુ જ ગભરાઈ ગયા હતા. મેં તેમને જોયા અને કહ્યું કે ભલે ઍક્સિડન્ટ થયો, વાંધો નહીં, હવે ધીમે-ધીમે બહાર આવી જાવ. હું તેમને બહાર લાવવા માટે મદદ કરવા માંડ્યો ત્યારે તેમણે મારી તરફ જોઈને મારી ચિંતા કરતાં કહ્યું કે તને તો બહુ વાગ્યું છે. ત્યાર મને જાણ થઈ કે મને માથામાં અને છાતીમાં વાગ્યું છે અને એમાંથી લોહી વહી રહ્યું છે. મારું શર્ટ લોહીલુહાણ થઈ ગયું હતું. એમ છતાં મેં તેમને અને બધાને ત્યાર બાદ બહાર કાઢ્યા હતા. ડ્રાઇવર અને વચ્ચે બેસેલા અંકલને ખાસ કોઈ ઈજા નહોતી થઈ. ૮૧ વર્ષના જે અંકલ હતા તેમનો ખભો ડિસલોકેટ થઈ ગયો હતો. મૂળમાં અમે સીટ-બેલ્ટ પહેર્યો હતો એટલે ગાડી ઘસાઈ, ગાડીના ફુરચા થઈ ગયા, બે-ત્રણ પલટી મારી ગઈ છતાં અમને વધારે ઈજા ન થઈ અને અમે બધા જ બચી ગયા.’
અકસ્માત વિશે વધારે માહિતી આપતાં જીતે કહ્યું હતું કે ‘અમારી દમણ પાસે કેબલની ફૅક્ટરી છે. અમે અઠવાડિયામાં એકાદ-બે આંટા ત્યાં મારીએ છીએ. જોકે પપ્પાએ પહેલેથી જ નિયમ બનાવ્યો છે કે મુંબઈમાં હોઈએ તો આગળ તો સીટ-બેલ્ટ પહેરવો જ પડે પણ પાછળ ચાલે, કારણ કે એટલી સ્પીડ જ નથી હોતી. જોકે પપ્પાએ ચોખ્ખું કહ્યું છે કે જેવા આપણે હાઇવે પર આવીએ કે તરત જ બધાએ પછી ભલે પાછળની સીટ પર હોઈએ સીટ-બેલ્ટ પહેરી જ લેવાનો. અમે એ નિયમ સિરિયસલી ફૉલો કરીએ છીએ એટલે જ બચ્યા. ગાડીમાંથી બહાર નીકળ્યા બાદ ત્યાંથી પસાર થઈ રહેલાં કેટલાંક વાહનોને હાથ બતાવીને અમે રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ન રોકાયાં. જોકે ત્યાર બાદ એક ટેમ્પોવાળાએ ટેમ્પો રોક્યો; એટલું જ નહીં, તેણે કહ્યું કે નજીકમાં જ હૉસ્પિટલ છે એટલે અમે તેના ટેમ્પોમાં બેસી ગયા અને તે અમને ત્યાં લઈ ગયો. ત્યાં અમને ટ્રીટમેન્ટ અપાઈ. જોકે નવાઈની વાત એ છે કે અમે જ્યારે આટલી કૉસ્ટ્લી ગાડી લીધી ત્યારે ટૉયોટાએ કહ્યું હતું કે એમાં છ કે આઠ ઍરબૅગ છે. અમે એ સેફ્ટી ફીચર્સ જોઈને જ ગાડી લીધી હતી. જોકે અકસ્માત વખતે એ ઍરબૅગ્સ ખૂલી નહોતી. એ કેમ ન ખૂલી એની અમને પણ જાણ નથી. નહીં તો મને કે બીજા કોઈને ઈજા ન થઈ હોત. મને માથા પર ૧૦ અને છાતીમાં ૪ એમ ટોટલ ૧૪ ટાંકા લેવા પડ્યા છે. હું આ બાબતે ટૉયોટાને પત્ર લખી જાણ કરવાનો છું. અમે પહેલાં સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યાર બાદ કોઈ ઇન્ટર્નલ ઑર્ગનને ડૅમેજ ન થયું હોવાથી અંધેરીની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં શિફ્ટ થયો અને ત્યાં સારવાર લીધી હતી.’