સાંતાક્રુઝની ગૅલૅક્સી હોટેલમાં રવિવારે બપોરે લાગેલી આગમાં મૃત્યુ પામેલા કાંતિલાલ વારાના પરિવારજનોની માગ : બે દિવસથી વાકોલા પોલીસ તેમને કલાકો સુધી બેસી રાખે છે, પણ ફરિયાદ નોંધતી નથી એવો આક્ષેપ
ફાઇલ તસવીર
સાંતાક્રુઝ (ઈસ્ટ)માં આવેલી ગૅલૅક્સી હોટેલમાં રવિવારે બપોરે લાગેલી આગમાં મૃત્યુ પામેલા કાંતિલાલ વારાના પરિવારજનો છેલ્લા બે દિવસથી વાકોલા પોલીસ સ્ટેશનમાં કલાકોના કલાકો હાજર રહીને પોલીસને સતત કહી રહ્યા છે કે આ ઘટના માટે હોટેલ જવાબદાર ગણાય એટલે તમે એની સામે એફઆઇઆર નોંધો. જોકે પોલીસ તેમને કલાકો સુધી બેસાડી રાખે છે, પણ એફઆઇઆર નોંધતી નથી. પોલીસ કહે છે કે હોટેલની ભૂલ હોય એવું હજી સુધીની તપાસમાં જણાતું નથી એથી અમે એની સામે એફઆઇઆર નહીં નોંધીએ. વાકોલા પોલીસના આ વલણ સામે પરિવાર કશું જ કરી શકતો નથી. એથી તેમણે કાંતિલાલભાઈની બૉડી તેમના તાબામાં લેવાનું રોકી દીધું છે. તેમનું કહેવું છે જો હોટેલ સામે એફઆઇઆર નોંધાશે તો જ અમે બૉડી લઈશું.
આ બાબતે માહિતી આપતાં મરનાર કાંતિલાલ વારાની ભત્રીજી દીપ્તિ વારાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વાકોલા પોલીસમાં રજૂઆત કરી રહ્યા છીએ, પણ તેઓ હોટેલ સામે એફઆઇઆર નોંધી નથી રહ્યા. અમે ગૅલૅક્સી હોટેલવાળાને પણ મળવા ગયા હતા. તેમણે અમને બહાર ચારથી પાંચ કલાક બેસાડી રાખ્યા, પણ મળવા જ ન આવ્યા અને ફોન પણ નથી ઉપાડી રહ્યા. પોલીસ પણ અમને ગણકારતી જ નથી. પોલીસ એમ જ કહે રાખે છે કે અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ધે આર ઍટ ફૉલ્ટ એમ જ્યાં સુધી પ્રૂવ ન થાય ત્યાં સુધી કહી ન શકાય એટલે અમે તેમની સામે એફઆઇઆર ન કરી શકીએ. આગ લાગી ત્યારે અમે હાજર નહોતા, પણ મીડિયા તો હતું. બીજા દિવસે બધાં જ છાપાંઓમાં એની વિગતો આવી છે, આગના ફોટો છે, માણસો મરી ગયા છે. આવું હોવા છતાં તે લોકો હોટેલવાળાને શું કામ છાવરે છે એ સમજાતું નથી. એક વાર જો અમે બૉડી લઈ લીધી તો તે લોકો એ પછી કંઈ જ નહીં કરે. અમારે પહેલાં હોટેલવાળા સામે એફઆઇઆર નોંધાવવો છે. ત્યાર બાદ જ અમે બૉડી લઈશું.’
ADVERTISEMENT
ફાયર ડિપાર્ટમેન્ટના અહેવાલ બાદ આગળની કાર્યવાહી થશે
ગૅલૅક્સી હોટેલમાં લાગેલી આગ બાબતે બીએમસી દ્વારા આગળ શું કાર્યવાહી કરાઈ છે એવો સવાલ બીએમસીના એચ-ઈસ્ટ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સ્વપનજા ક્ષીરસાગરને ‘મિડ-ડે’એ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ગૅલૅક્સી હોટેલમાં ફાયર સેફ્ટીના નિયમો મુજબ ઉપકરણો બેસાડ્યાં નહોતાં એવું જાણવા મળતાં અમે ૬ મહિના પહેલાં જ તેમને એ બાબતે નોટિસ આપી હતી અને ત્યાર બાદ કોર્ટમાં પણ તેમની સામે કેસ કર્યો હતો. એ પછી તેમણે ફાયર ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને એ માટે અરજી કરી કે નહીં એ જોવાનું કામ ફાયર ડિપાર્ટમેન્ટનું છે.’ ફાયર સેફ્ટીને લગતા જ નિયમોના ભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી અને હવે આગને કારણે જ ત્રણ પ્રવાસીઓના જીવ ગયા છે ત્યારે તેમની સામે બીએમસી શું કાર્યવાહી કરશે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આ બાબતે અમે ફાયર ડિપાર્ટમેન્ટના અહેવાલની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એમના અહેવાલ બાદ જ આગળ શું કાર્યવાહી કરવી એ નક્કી થશે.’


