મે મહિનાથી સૂર્યા ડૅમમાંથી પાણીપુરવઠો થવાનો એમએમઆરડીએનો પ્રશાસનને પત્ર
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદરને સૂર્યા ડૅમમાંથી મંજૂર કરવામાં આવેલો પાણીપુરવઠો મે મહિનાથી શરૂ કરવામાં આવશે એવો પત્ર એમએમઆરડીએએ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને મોકલ્યો છે. એથી અહીંની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે એવી આશા લોકોને છે.
મીરા-ભાઈંદરની લોકસંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. મીરા-ભાઈંદરની વસ્તી ૧૪ લાખથી વધુ છે. હાલમાં અહીં દરરોજ ૨૧૬ મિલ્યન લિટર પાણીની જરૂર છે, જ્યારે હાલમાં સ્ટેમ વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રક્ચર કંપની દ્વારા ૮૬ મિલ્યન લિટર અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળ દ્વારા ૧૩૫ લિટર એમ કુલ ૨૨૧ મિલ્યન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે પાણીના લીકેજને કારણે વાસ્તવમાં માત્ર ૨૧૦ મિલ્યન લિટર પાણી જ ઉપલબ્ધ છે. આ પાણી અપૂરતું હોવાથી અવારનવાર લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પાણીની સમસ્યાને ઉકેલવા અને ભવિષ્યમાં પાણીની અછતને રોકવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન ડેવલપમેન્ટ ઑથોરિટીએ પહેલા તબક્કામાં વસઈ-વિરાર માટે અને બીજા તબક્કામાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે સૂર્યા પાણી પ્રોજેક્ટમાંથી ૪૦૩ મિલ્યન લિટર પાણી આપવાની યોજના બનાવી છે. એમાંથી પ્રથમ તબક્કામાં વસઈ-વિરારને પાણી પહોંચાડવામાં આવ્યું હતું અને હવે બીજા તબક્કામાં મીરા-ભાઈંદરને પાણીપુરવઠો પહોંચાડવામાં આવશે જેનો લોકો લાંબા સમયથી રાહ જુએ છે.
ADVERTISEMENT
એમએમઆરડીએએ આ કામની હાલની સ્થિતિ અંગે મહાનગરપાલિકાને પત્ર મોકલ્યો છે. એ અનુસાર એમએમઆરડીએએ માહિતી આપી છે કે પાણીની ટાંકીનું નિર્માણ, ઇલેક્ટ્રિક ટાવરનું નિર્માણ, ટનલના કામ માટે ખોદકામ, પાણીની ચૅનલ, પ્રોજેક્ટના રૂટ પરથી અતિક્રમણ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ પાણીપુરવઠાથી મીરા-ભાઈંદરમાં પાણીની સમસ્યા ઉકેલવામાં ઘણી મદદ મળશે.
આ વિલંબનું કારણ બની શકે...
આ યોજનામાં વીજળીના ટાવર બનાવવા માટે વૃક્ષો કાપવાની જરૂર છે, પરંતુ આ માટે સંબંધિત વિભાગની પરવાનગી મેળવવી મુશ્કેલ છે.
વસઈથી ફાઉન્ટન હોટેલના માર્ગ પર પાણીની પાઇપ નાખવાનું કામ બાકી છે. જોકે વર્સોવા ખાતે નવા ફ્લાયઓવર પરની ત્રણેય લાઇનો શરૂ થઈ ન હોવાથી ટ્રાફિકની સમસ્યાની દૃષ્ટિએ આ કામ શરૂ કરવું મુશ્કેલ બન્યું છે.
ચેના ખાતે જલકુંભ (ટાંકી) બનાવવાની વન વિભાગની પરવાનગી હજી બાકી છે. કેટલીક જગ્યાએ જમીન હસ્તગસ્ત કરવાની પ્રક્રિયા પૂરી કરવાની બાકી છે.
પાઇપલાઇનનું ઘણું કામ બાકી
મીરા-ભાઈંદર માટે સૂર્યા ડૅમમાંથી ૨૧૮ મિલ્યન લિટર પાણીપુરવઠો મંજૂર કરવામાં આવ્યો છે. આ પાણી આવે એ પહેલાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઇન્ટરનલ વૉટર ચૅનલ નાખવાનું કામ કરવા માગે છે. એથી રાજ્ય સરકારે આ હેતુ માટે અમૃત યોજનામાંથી ૫૧૬ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કર્યું છે. એ મુજબ ચાર મહિના પહેલાં કૉન્ટ્રૅક્ટરની પસંદગી કરવામાં આવી છે. જોકે આ કામ પૂરું થતાં હજી બે વર્ષનો સમય લાગે એવી શક્યતા છે. મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગે દાવો કર્યો છે કે જો સૂર્યાનું પાણી એ પહેલાં આવે છે તો પ્રશાસન જૂની વૉટર ચૅનલ વડે પાણી લેવામાં સક્ષમ છે.

