મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી છેલ્લા ૧૫ દિવસમાં બોગસ પાસપોર્ટ અને વીઝા તૈયાર કરીને દુબઈ, નેપાલ અને સિંગાપોર જવા માગતા બાવીસ લોકોની સહાર પોલીસે ધરપકડ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી છેલ્લા ૧૫ દિવસમાં બોગસ પાસપોર્ટ અને વીઝા તૈયાર કરીને દુબઈ, નેપાલ અને સિંગાપોર જવા માગતા બાવીસ લોકોની સહાર પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ એજન્ટોને બોગસ દસ્તાવેજો તૈયાર કરવા માટે લાખો રૂપિયા આપ્યા હતા. જોકે ઍરપોર્ટ પર થતી ઇમિગ્રેશનની તપાસમાં દસ્તાવેજો પર શંકા આવતાં બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જેમાં એ ખોટા મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરી આપતા એજન્ટોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
એજન્ટોએ તૈયાર કરી આપેલા ડૉક્યુમેન્ટ્સના આધારે મુસાફરી કરવા ઇચ્છતા લોકો ખોટી રીતે ફસાઈ જતા હોય છે એમ જણાવતાં સહાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાપુરાવ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એજન્ટો દ્વારા લાખો રૂપિયા લઈને ફૉરેન જવા માગતા લોકો માટે બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરી આપવામાં આવતા હોય છે. અમુક સમયે એજન્ટને ખબર હોય છે કે આવા બોગસ ડૉક્યુમેન્ટ્સ ઇમિગ્રેશનની તપાસમાં પકડાઈ જશે છતાં તેઓ માત્ર પૈસા લઈને લોકોની જિંદગી ખરાબ કરતા હોય છે. એજન્ટોની પણ અમે વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા ૧૫ દિવસમાં પકડાયેલા તમામ લોકોમાંથી મોટા ભાગના લોકો દુબઈ જવા માગતા હતા અને તેમની પાસે ખોટા વીઝા હોવાથી તેઓ ઇમિગ્રેશનની તપાસમાં પકડાઈ ગયા હતા. આ ઉપરાંત બે લોકો ખોટા દસ્તાવેજો પર સિંગાપોર તો પહોંચી ગયા હતા, પણ ત્યાં ઍરપોર્ટ પર તપાસમાં પકડાઈ જવાથી તેમને પાછા ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોની ધરપકડ કર્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબત વધુ તપાસ કરવામાં આવી રહી છે.’


