ભાઈંદર સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર ગુજરાતીમાં ફૉર્મ મૂકવામાં આવતાં એમએનએસનો મરાઠીનો અનાદર કરાયો હોવાનો આક્ષેપ
ભાઈંદર સ્ટેશન
ભાઈંદર સ્ટેશન પર ઈસ્ટ સાઇડમાં આવેલા લાંબા અંતરની ગાડીઓના રિઝર્વેશન કાઉન્ટર પર ગયા અઠવાડિયાના અંતમાં અંગ્રેજી, હિન્દી અને મરાઠી સાથે ગુજરાતી ભાષાનું પણ ફૉર્મ મૂકી દેવામાં આવતાં વાતનું વતેસર થઈ ગયું હતું અને નજીવી વાતને મોટું સ્વરૂપ આપી દેવાયું હતું.
એમએનએસને એવી જાણ થઈ હતી કે રિઝર્વેશન કાઉન્ટર પર ગુજરાતીમાં ફૉર્મ છે, પણ મરાઠીમાં નથી. એથી એમએનએસના મીરા-ભાઈંદરના ચીફ હેમંત સાવંત અને અન્ય પદાધિકારીઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એવો આક્ષેપ કરાયો હતો કે જ્યારે રાજ્યની ભાષા મરાઠી છે તો પછી ગુજરાતીમાં ફૉર્મ કેમ મૂકવામાં આવ્યાં? આ રાજ્યની ભાષાનું અપમાન છે. એથી તેમણે ભેગા થઈ મરાઠી ફૉર્મ મૂકવાનો અનુરોધ કરતું નિવેદન પણ રેલવે ઑથોરિટીને આપ્યું હતું.
ADVERTISEMENT
મૂળમાં રિઝર્વેશન ફૉર્મમાં ઉપરની તરફ રાજ્યની ભાષા અને પાછળની તરફ અંગ્રેજી અથવા હિન્દીમાં છપાયેલું હોય છે. જોકે ગુરુવાર-શુક્રવાર દરમ્યાન એ કાઉન્ટર પર ગુજરાતીમાં છપાયેલાં ફૉર્મ જોઈને કોઈકે એમએનએસને ફરિયાદ કરી હતી કે આવું કઈ રીતે ચાલે? એથી એમએનએસ દ્વારા આ બાબતે વિરોધ કરાયો હતો અને રેલવેને સ્થાનિક સ્તરે નિવેદન આપી એ ભૂલ સુધારી લેવા કહેવાયું હતું. નહીં તો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.
ભાઈંદર સ્ટેશન પરના એ રિઝર્વેશન કાઉન્ટરના બુકિંગ ક્લાર્ક રાજેન્દ્ર શિર્કેએ ‘મિડ-ડે’ને આ બાબતે કહ્યું હતું કે ‘આ બધાં જ ફૉર્મ એક જ જગ્યાએ છાપવામાં આવે છે. ભૂલમાં અમારી પાસે એક બંડલ ગુજરાતીનું આવી ગયું હતું અને એ મરાઠી, ઇંગ્લિશ, હિન્દી સાથે મિક્સ થઈ ગયું હતું. બધી જ લૅન્ગ્વેજનાં ફૉર્મ કાઉન્ટર પર એક જ જગ્યાએ એકસાથે રાખવામાં આવે છે એમાં એ ગુજરાતી ફૉર્મ મિક્સ થઈ ગયાં હતાં. અમને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે અમે એ ગુજરાતી ફૉર્મ હટાવી લીધાં હતાં અને ગુજરાત મોકલી દીધાં હતાં. બાકી કોઈ ઇશ્યુ નથી. નેવું ટકા લોકો અંગ્રેજીમાં જ ફૉર્મ ભરતા હોય છે.’
વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમીત ઠાકુરે કહ્યું હતું કે ‘એ નાની એવી ભૂલ થઈ હતી જે પાછળથી સુધારી લેવાઈ છે. હવે નિયમ મુજબ કાઉન્ટર પર અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં રિઝર્વેશન ફૉર્મ ઉપલબ્ધ છે.’

