બેફામ બસ ચલાવી રહેલા ડ્રાઇવરે બાઇકને અડફેટે લેતાં ભાઇંદરના ગુજરાતીનું થયું મૃત્યુ
યોગેશભાઈ ઘાઘડા
મુંબઈ : દહિસરમાં છેલ્લા એક અઠવાડિયામાં બે ગુજરાતીઓ અકસ્માતનો શિકાર બનતાં મૃત્યુ પામ્યા છે. બન્ને કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. રવિવારે બેસ્ટના ડ્રાઇવરે બેફામ બસ ચલાવીને આગળ જતી મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી, જેમાં મોટરસાઇકલચાલક જમીન પર પડતાં અને તેના શરીર પરથી બસ પસાર થઈ જતાં ઘટનાસ્થળે જ ગુજરાતી વેપારીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ભાઈંદરમાં રહેતા પરિવારે ઘરના મોભી ગુમાવ્યા છે.
ભાઈંદર-ઈસ્ટ ન્યુ ગોલ્ડન નેસ્ટ ફેઝ-૧માં સોનમ સ્વર્ગ સોસાયટીમાં રહેતા અને દહિસર રાવલપાડા વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા ૬૦ વર્ષના યોગેશ ઘાઘડા રવિવારે બપોરે એક વાગ્યે દહિસરના એસ. વી. રોડ પર બૉમ્બે ટાયર સામેથી પોતાની ઍક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી બસને ઓવરટેક કરી આગળ જતી વખતે બસચાલકે તેમને પાછળથી ટક્કર મારતાં તેઓ રોડ પર પડ્યા હતા. એ દરમ્યાન પાછળથી આવતી અન્ય એક બસ તેમની છાતી પરથી પસાર થતાં ઘટનાસ્થળે જ તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને સમર્પણ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરે તેઓ મૃત્યુ પામ્યા હોવાની જાણ કરી હતી. ઘટનાની પ્રાથમિક માહિતીના આધારે દહિસર પોલીસે બેસ્ટના બસડ્રાઇવર વિજય કમલાકર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
યોગેશભાઈનાં પત્ની મનીષાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો ત્રણ જણનો પરિવાર હતો. મારી પુત્રી માત્ર ૧૪ વર્ષની છે. મારા પતિ વ્યવસાય કરતા અને અમારું ઘર ચાલતું હતું, મારું ઘર પણ ભાડાનું છે. બેસ્ટના ડ્રાઇવરની બેદરકારીને લીધે અમે ઘરનો મોભી ગુમાવ્યો. બેસ્ટના ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી હું પોલીસ સમક્ષ માગણી કરું છું.’
દહિસરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે અને બેસ્ટના ડ્રાઇવરની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી પ્રમાણે બેસ્ટનો ડ્રાઇવર બેફામ ડ્રાઇવ કરી રહ્યો હોવાનું માલૂમ પડ્યું છે.’


