આ નવરાત્રિમાં રોજેરોજ અલગ-અલગ કૉમ્પિટિશન, વેશભૂષા વગેરે માટે અઢળક ઇનામો રાખવામાં આવ્યાં છે.
જિતેન્દ્ર મહેતા
કોરોનાને કારણે બે વર્ષ બધા જ તહેવારો ધામધૂમથી નથી ઊજવી શકાયા, પણ હવે થાણેના જ શિવસેનાના નેતા અને હાલના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકારે તહેવારો ઊજવવાની મંજૂરી આપી છે ત્યારે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (એમસીએચઆઇ) અને આશર ગ્રુપના સથવારે એમસીએચઆઇ-થાણેના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા દ્વારા થાણે ચેકનાકા પાસે ટીપટોપ નજીકના ગ્રાઉન્ડમાં થાણે રાસરંગ-૨૦૨૨ની ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.
જિતેન્દ્ર મહેતાએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બે વર્ષ પછી ફરી એક વાર અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. એકનાથ શિંદે સાહેબના આશીર્વાદ સાથે ૨૬ સપ્ટેમ્બરથી લઈને પાંચમી ઑક્ટોબર સુધી ચાલનારી આ નવરાત્રિમાં રોજેરોજ અલગ-અલગ કૉમ્પિટિશન, વેશભૂષા વગેરે માટે અઢળક ઇનામો રાખવામાં આવ્યાં છે. રોજેરોજ ફિલ્મસ્ટારો ઉપરાંત ટીવી-સિરિયલના કલાકારો રાસરંગ-૨૦૨૨માં હાજરી આપશે. નૈતિક નાગડા તેમના ઢોલની કરામત અને સાજિંદાઓ સાથે ધૂમ મચાવશે. સોરઠિયો સાવજ ઉમેશ બારોટ, કચ્છી કોયલ કોષા પંડ્યા, ચુલબુલી દિવ્યા જોશી અને અંબર દેસાઈના ઘૂંટાયેલા અવાજે ગવાતાં ગીતો ખેલૈયાઓમાં જોશ ભરી દેશે અને તેમને નાચતા કરી દેશે.’
ADVERTISEMENT
આયોજક જિતેન્દ્ર મહેતા નવરાત્રિની જૂની અને અનુભવી ટીમ સાથે માનનીય એકનાથ શિંદે સાહેબના થાણેને સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત થાય એ માટે અત્યારથી કાર્યશીલ થઈ ગયા છે.

