NCPના સુનીલ ટિંગરેનું કહેવું છે કે હું સૂતો હતો ત્યારે ઉપરાઉપરી મોબાઇલની રિંગ વાગવાથી જાગ્યો ત્યારે એમાં વિશાલ અગરવાલના ૪૫ મિસ્ડ-કૉલ હતા, પોલીસ-સ્ટેશને પહોંચ્યા પછી અકસ્માતની ગંભીરતા જોઈને મેં પોલીસને સંબંધિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું હતું
પૉર્શે-કાંડ
પુણેના કલ્યાણીનગરના પૉર્શે-કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જણાઈ આવ્યું છે કે ટીનેજરે ડ્રિન્ક કરીને ઍક્સિડન્ટ કર્યો હોવાની જાણ થયા બાદ તેના પિતા વિશાલ અગરવાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાનિક વિધાનસભ્ય સુનીલ ટિંગરેને મોડી રાત્રે ૪૫ કૉલ કર્યા હોવાનું જણાયું હતું. આટલા મિસ્ડ કૉલ બાદ વિધાનસભ્યે ૪૬મો કૉલ લીધો હતો. બાદમાં તેઓ સાડાચાર વાગ્યે યેરવડા પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા અને દોઢ કલાક વિશાલ અગરવાલ અને પોલીસ-અધિકારીઓ સાથે ચર્ચા કરીને છ વાગ્યે તેઓ બહાર નીકળ્યા હતા. પોલીસ-સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં વિધાનસભ્ય જોવા મળ્યા હતા અને તેમના કૉલ-રેકૉર્ડની માહિતી હાથ લાગ્યા બાદ પોલીસે તેમની પૂછપરછ કરી હતી. વડગાવ-શિરી મતદારસંઘના વિધાનસભ્ય સુનીલ ટિંગરેએ પોલીસને કહ્યું હતું કે ‘રાત્રે હું સૂતો હતો ત્યારે ઉપરાઉપરી મોબાઇલની રિંગ વાગવાથી હું જાગ્યો ત્યારે એમાં વિશાલ અગરવાલના ૪૫ મિસ્ડ-કૉલ હતા. બાદમાં મેં તેની સાથે વાત કરી હતી અને ૩.૪૫ વાગ્યે યેરવડા પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો. અકસ્માતની ગંભીરતા જોઈને મેં પોલીસને સંબંધિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું હતું. બાકી આ મામલા સાથે મારો કોઈ સંબંધ નથી કે મેં પોલીસ પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી કર્યું. સ્થાનિક વિધાનસભ્ય હોવાથી વિશાલ અગરવાલ પાસે મારો નંબર હતો એટલે તેણે મને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી.’
ઉલ્લેખનીય છે કે ટીનેજરના પિતા વિશાલ અગરવાલ અને દાદા સુરેન્દ્રકુમારની કસ્ટડી પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય વિશાલ અગરવાલ સામે સસૂન હૉસ્પિટલના ડૉક્ટરોને ફોડીને બ્લડ-સૅમ્પલ બદલવાનો સોદો કર્યો હોવા સંબંધે ત્રીજો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે એટલે ક્રાઇમ બ્રાન્ચ તેનો તાબો લઈ શકે છે.
ADVERTISEMENT
ડૉક્ટરે ત્રણ વ્યક્તિ તૈયાર કરેલી
ટીનેજરનો બ્લડ-રિપોર્ટ બદલવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા સસૂન હૉસ્પિટલના સસ્પેન્ડ કરવામાં આવેલા ફૉરેન્સિક લૅબના ઇન્ચાર્જ ડૉ. અજય તાવરેએ બ્લડ-સૅમ્પલ બદલવા માટે ત્રણ વ્યક્તિને તૈયાર કરી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં જણાયું છે કે ટીનેજરનો રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એમાં એક મહિલાના બ્લડ-સૅમ્પલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્લડ ટીનેજરની મમ્મી શિવાનીએ આપ્યું હોવાની શંકા છે.


