અકસ્માતની જવાબદારી પોતાના માથે લેવા ડ્રાઇવર પર સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરવાનો આરોપ
સુરેન્દ્રકુમાર અગરવાલ
પુણેના પૉર્શે-કાંડના ૧૭ વર્ષના આરોપીના દાદા સુરેન્દ્રકુમાર અગરવાલની પુણે પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. ફૅમિલીના ડ્રાઇવરને અકસ્માતનો આરોપ પોતાના માથે લેવા માટે કૅશ અને ગિફ્ટની લાલચ આપવાની સાથે ગોંધી રાખીને ધમકાવ્યો હોવાનું તપાસમાં જણાઈ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું. પોલીસે સુરેન્દ્રકુમાર અગરવાલની કોર્ટમાંથી ૨૮ મે સુધીની કસ્ટડી મેળવી હતી.
અમિતેશ કુમારે ગઈ કાલે માહિતી આપી હતી કે ‘ઍક્સિડન્ટ બાદ અગરવાલ પરિવારના ૪૨ વર્ષના ડ્રાઇવરે યેરવડા પોલીસ-સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું કે તે કાર ચલાવી રહ્યો હતો. જોકે અમારી તપાસમાં જણાયું હતું કે ડ્રાઇવર નહીં પણ આરોપી ટીનેજર ડ્રાઇવિંગ સીટ પર હતો. ડ્રાઇવર યેરવડા પોલીસ-સ્ટેશનની બહાર નીકળ્યો એ પછી ટીનેજરના પિતા વિશાલ અગરવાલ અને દાદા સુરેન્દ્રકુમારે તેને પોતાના બંગલામાં બોલાવ્યો હતો. અહીં તેને ગોંધી રાખીને ફોન આંચકી લેવાની સાથે ધમકાવવામાં આવ્યો હતો. તેના પર અકસ્માતનો આરોપ પોતાના માથે લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આના બદલામાં તેને કૅશ અનેચૂંટણીપંચ મોટી ગિફ્ટ આપવાની લાલચ આપવામાં આવી હતી. બીજા દિવસે ડ્રાઇવરની પત્ની આરોપીઓના ઘરે પહોંચી હતી અને તેણે પતિને છોડાવ્યો હતો. ડ્રાઇવર ખૂબ જ ડરી ગયો હતો. તેને ગુરુવારે પોલીસ-સ્ટેશનમાં બોલાવ્યો હતો. તેની પૂછપરછ, તપાસ અને ફરિયાદના આધારે ટીનેજરના દાદા સુરેન્દ્રકુમાર અગરવાલ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.’આ FIRમાં ટીનેજરના પિતા વિશાલ અગરવાલનું પણ નામ છે જે ઑલરેડી જેલમાં છે.
ADVERTISEMENT
૪૯ પબ અને બાર સીલ
પૉર્શે-કાંડ બાદ પુણેમાં એક્સાઇઝ વિભાગે ગેરકાયદે પબ અને બાર સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં એક્સાઇઝ વિભાગની ૧૪ ટીમે વ્યાપક કાર્યવાહી કરીને ૪૯ પબ અને હોટેલ સીલ કર્યાં હોવાનું એક્સાઇઝ વિભાગના ઇન્સ્પેક્ટર ચરણસિંહ રાજપૂતે ગઈ કાલે કહ્યું હતું. આ અકસ્માત પહેલાં પણ એપ્રિલ અને મે મહિનામાં ૫૭ પબ અને બાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા વર્ષે ૨૫૭ જગ્યાએ કાર્યવાહી કરીને ૧.૧૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

