પુણે સાઇબર સેલે કુલ ૨૮.૬૬ લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો જપ્ત કરી, બૅન્કમાં નકલી કૅશ ડિપોઝિટ થઈ એને પગલે ભાંડો ફૂટ્યો
પ્રતીકાત્મક તસવીર
પુણેના શિવાજીનગર પોલીસના સાઇબર સેલે ફેક બનાવટી ચલણી નોટોનું મોટું રૅકેટ પકડ્યું છે. ૧૭ એપ્રિલે એક લોકલ બૅન્કના કૅશ-ડિપોઝિટ મશીનમાં ૨૦૦ રૂપિયાની પંચાવન નકલી નોટ જમા કરવામાં આવી હતી. બૅન્કના મૅનેજરને જાણ થતાં તેમણે તરત ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો, જેના પગલે પોલીસની સ્પેશ્યલ ટીમે તપાસ હાથ ધરીને કુલ ૨૮.૬૬ લાખ રૂપિયાના મૂલ્યની નકલી નોટો જપ્ત કરી હતી તેમ જ આ રૅકેટમાં સંકળાયેલા પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ પાસેથી ૮૩,૦૦૦ રૂપિયાના મૂલ્યની નકલી નોટો જપ્ત કરીને તેમની ધરપકડ કર્યા બાદ પોલીસને જણાયું હતું કે આ આરોપીઓને ફેક નોટ નરેશ શેટ્ટી નામની વ્યક્તિએ આપી હતી. બાતમીને આધારે પોલીસે નરેશ શેટ્ટીના ઠેકાણે રેડ પાડતાં ચાર લાખ રૂપિયાના મૂલ્યની ૨૦૦ની નોટનાં ૨૦ બંડલ, પ્રિન્ટર, ૨૨.૩૨ લાખ રૂપિયાના મૂલ્યની ૫૦૦ની ૨૨૩૨ ફેક નોટ છાપેલી હોય એવી ૧૧૧૬ શીટ્સ, પ્રિન્ટિંગ ઇન્ક, બ્લૅન્ક પેપર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત નરેશ શેટ્ટીની કારમાંથી પણ કુલ ૧.૩૧ લાખ રૂપિયાના મૂલ્યની ૨૦૦ અને ૫૦૦ની નકલી નોટો મળી હતી. આ કાર પણ પોલીસે જપ્ત કરી હતી.


