પેરન્ટ્સ પણ ખુશ છે અને તેના દોસ્તોએ પણ રિલેશનશિપ ટ્રૅકર એક્સેલ શીટ બનાવવાનું શરૂ કરી દીધું છે.
વિકાસ નામનો ૨૮ વર્ષનો યુવક લગ્ન માટે છોકરીઓ જોઈ રહ્યો છે.
એક સમય હતો જ્યારે છોકરીની પસંદગીની વાત મોટા ભાગે સીક્રેટ રહેતી. જ્યાં સુધી સંબંધ પાકો ન થઈ જાય ત્યાં સુધી લોકો કોની સાથે વાતચીત થઈ રહી છે એ પણ જાહેર નહોતા કરતા. જોકે પુણેમાં એક જુવાને લગ્ન માટે છોકરીઓને જોવાની પ્રોસેસનું ડૉક્યુમેન્ટેશન કર્યું છે. વિકાસ નામનો ૨૮ વર્ષનો યુવક લગ્ન માટે છોકરીઓ જોઈ રહ્યો છે. તે છોકરીઓ જોવાની પ્રક્રિયાને સોશ્યલ મીડિયા પર જે રીતે શૅર કરે છે એ માટે તે ચર્ચાનો વિષય બની ગયો છે. તેની રીલમાં કોઈ ટ્રાવેલ બ્લૉગ કે ડાન્સ-રીલ નથી હોતી. એક મેટલ કંપનીમાં ઍનલિસ્ટનું કામ કરતા વિકાસ પર અરેન્જ્ડ મૅરેજ માટે છોકરીઓ જોવાનું દબાણ વધી ગયું હતું. તે છોકરીઓ જોતો અને તેમની સાથે વાતચીત કરતો, પરંતુ પેરન્ટ્સ વારંવાર પૂછ્યા કરતા કે વાત કેટલી આગળ વધી? શું જવાબ મળ્યો? તને રસ પડ્યો કે નહીં? બસ, વિશ્લેષક ભાઈને આ બધા સવાલોનો જવાબ પેરન્ટ્સને આરામથી મળી રહે એ માટે એક એક્સેલ શીટ બનાવવાનું સૂઝી ગયું. આ શીટમાં તેણે જે પણ યુવતી સાથે વાતચીત કરી હોય એની કૉલ-ડીટેલ, ફીડબૅક બધું જ નોંધ્યું છે. કઈ યુવતી સાથે વાતચીતનું કયું સ્ટેટસ છે એ પણ તેણે એમાં લખ્યું હતું. જેને ના પાડીને વાત બંધ કરી નાખી એ સંબંધમાં ક્લોઝ્ડ લખી નાખ્યું અને કયા કારણસર એ ક્લોઝ થઈ એનો ફીડબૅક પણ બે-ત્રણ શબ્દોમાં લખ્યો. જેની સાથે વાતચીત ચાલુ છે એની પણ નોંધ લખી અને વાતચીત કયા સ્ટેજ પર છે એની નોંધ પણ લખી. વાતચીતમાં પૉઝિટિવ અને નેગેટિવ જે પણ કમેન્ટ હોય એ પણ લખી હતી. લગભગ સાત-આઠ છોકરીઓની આ યાદીની એક્સેલ શીટ તેણે નામ જાહેર કર્યા વિના જ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. વ્યુઅર્સને તો આ યુનિક વિકલ્પ ખૂબ પસંદ આવી ગયો. કેટલાકને બહુ અચરજ થયું, જ્યારે કેટલાક ટેકસૅવી લોકોએ તેને ડૅશબોર્ડ બનાવીને સંબંધો મૉનિટર કરવાનું સૂચન પણ આપ્યું.
નવાઈની વાત એ છે કે આ રીલ વાઇરલ થયા પછી કેટલીયે યુવતીઓ હવે વિકાસને ડાયરેક્ટ મેસેજ કરીને વાતચીત કરવાનો પ્રયાસ કરી રહી છે. પેરન્ટ્સ પણ ખુશ છે અને તેના દોસ્તોએ પણ રિલેશનશિપ ટ્રૅકર એક્સેલ શીટ બનાવવાનું શરૂ કરી દીધું છે.


