કૉન્ગ્રેસના કૉર્પોરેટર રવિ રાજા કહે છે કે, ‘અમે કોઈ પણ પ્રકારના ટૅક્સમાં વધારાનો વિરોધ કરીશું`
ફાઇલ તસવીર
આવનાર નાણાકીય વર્ષ માટે પ્રૉપર્ટી ટૅક્સમાં ૧૬ ટકા વધારાના પ્રસ્તાવને પગલે નાગરિકો તરફથી ઉદ્ધવ સેના અને કૉન્ગ્રેસ પાર્ટીએ હોબાળો કર્યો હતો. જોકે નિષ્ણાતોની કમિટી દ્વારા તપાસ બાદ જ બીએમસી કોઈ નિષ્કર્ષ પર જશે. ઉદ્ધવ ઠાકરે ગ્રુપના પ્રવક્તા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે ‘તેઓ અમને પૂછે છે કે પચીસ વર્ષમાં અમે શું કર્યું? અમે ઘણું કર્યું છે. જો પ્રૉપર્ટી ટૅક્સની વાત કરવામાં આવે તો અમે ખાતરી આપીએ છીએ કે જેઓ ૫૦૦ સ્ક્વેરફુટની નીચે આવે છે તેમણે પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની જરૂર નથી. અમે વૉટર-ટૅક્સના વધારાનો પણ વિરોધ કર્યો હતો. અમે સત્તામાં હતાં એને એક વર્ષ થયું, પણ આ ૧૬ ટકા વધારાની જરૂરિયાત કઈ રીતે વર્તાઈ?’
કૉન્ગ્રેસના કૉર્પોરેટર રવિ રાજા કહે છે કે ‘અમે કોઈ પણ પ્રકારના ટૅક્સમાં વધારાનો વિરોધ કરીશું. બીએમસીએ આ વર્ષે ખોટા ખર્ચા કર્યા છે. હવે ટૅક્સનું ભારણ કરદાતા પર નાખી રહ્યા છે. કોઈ પણ સારા પરિણામ વિના જ બ્યુટિફિકેશન પર ૧૭૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અમે આનો જડમૂળથી વિરોધ કરીશું.’ બીજેપીના પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટ કહે છે કે ‘બીજેપીને મુદ્દા વિશે કંઈ ખબર નથી કે કઈ પ્રકારના પ્રૉપર્ટી ટૅક્સ વિશે ચર્ચા કરી રહ્યા છે. તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. હાલ માત્ર એક કમિટીની રચના કરવામાં આવી છે, જેથી હાલની ટૅક્સ વ્યવસ્થા વિશે જાણકારી મેળવી શકે. એક કમિટીની રચના કરીને પ્રૉપર્ટી ટૅક્સના સ્લૅબને ૧૬ ટકા વધારવા માટે ફરી વિચારણા કરશે. આવનાર વર્ષ માટે પ્રૉપર્ટી ટૅક્સમાં સુધારા કરવા માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફર્મને દસ્તાવેજો સુપરત કરવામાં આવશે. બીએમસી ઍક્ટ મુજબ દર પાંચ વર્ષે ટૅક્સ પુનરાવર્તિત કરવામાં આવે છે. છેલ્લે ૨૦૨૦માં કરવાનું હતું, પણ મહામારીને કારણે મુલતવી રાખવામાં આવ્યું. માટે હવે આવનાર વર્ષમાં કરવામાં આવશે.’
ADVERTISEMENT
બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ ત્યાં એક ચોક્કસ ઇન્ટરનલ કમિટી છે જે ટૅક્સમાં વધારાનો નિર્ણય લે છે. તેઓ આનો અભ્યાસ કરીને લાગુ કરશે. એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ આ કમિટીનો સભ્ય હશે. જેઓ બીએમસીની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારો કરશે. કાયદા પ્રમાણે બીએમસી ૪૦ ટકા સુધી પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરી શકે છે, પણ અમે ૧૬ ટકાથી વધુની દરખાસ્ત નથી કરતા.

