અંદાજે ૩૨,૮૭૫ કરોડના ખર્ચે ૪ પ્લસ ૪ લાઇનનો ૪૨ કિલોમીટર લાંબો બ્રિજ બની ગયા બાદ એક કલાકમાં વિરારથી નરીમાન પૉઇન્ટ પહોંચી શકાશે

મુખ્ય પ્રધાન અને એમએમઆરડીએના ચૅરમૅન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક મળી હતી, જેમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
મુંબઈ : મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ની શુક્રવારે મળેલી બેઠકમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને વર્સોવા-વિરાર વચ્ચેના ૪૨ કિલોમીટર લંબાઈના સી-લિન્કને મંજૂરી આપી હતી. અંદાજે ૩૨,૮૭૫ કરોડ રૂપિયાના ખર્ચે આ ૪ પ્લસ ૪ લાઇનનો નવો સી-લિન્ક બની ગયા બાદ વિરારથી નરીમાન પૉઇન્ટ માત્ર એક કલાકમાં પહોંચી શકાશે. અત્યારે બાંદરાથી વર્સોવા વચ્ચે બંધાઈ રહેલા સી-લિન્કને ભવિષ્યમાં વર્સોવા-વિરાર સી-લિન્કને જોડવામાં આવશે. આ નવો સી-લિન્ક બનાવવા માટે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપ્યો હતો. હવે આ પ્રોજેક્ટ એમએમઆરડીએને સોંપવામાં આવ્યો છે. એમએમઆરડીએએ આ પ્રોજેક્ટ માટે આ વર્ષના બજેટમાં ૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સી-લિન્ક રોડ પર વર્સોવાથી ચારકોપ, ઉત્તન અને વસઈ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં એમએમઆરડીએની શુક્રવારે ૧૫૪મી બેઠક મળી હતી. આ બેઠકમાં એમએમઆર ક્ષેત્ર માટેના ઘાટકોપરના છેડાનગરથી થાણે સુધીના રસ્તાને ઈસ્ટર્ન એક્સપ્રેસવે સાથે જોડવાની, દક્ષિણ મુંબઈમાં ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ સુધી ૩.૮ કિલોમીટરની ભૂગર્ભ ટનલ બનાવવાની સાથે વર્સોવા-વિરાર સુધીના સી-લિન્ક માર્ગ જેવા મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
વર્સોવા-વિરાર સી લિન્ક
એમએમઆરડીએ દ્વારા અત્યારે બાંદરાથી વર્સોવા સુધી બંધાઈ રહેલા સી-લિન્ક રોડને વિરાર સુધી લંબાવવાની યોજના જાહેર કરી છે. આ વર્ષે આ નવા સી-લિન્ક માટે બજેટમાં ૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે આખા સી-લિન્ક રોડ માટે ૩૨,૮૭૫ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ મૂકવામાં આવ્યો છે. વર્સોવાથી વિરાર સુધીનો સી-લિન્ક ૪ પ્લસ ૪ લાઇનનો હશે, જેમાં ચારકોપ, ઉત્તન અને વસઈના ૩ પ્લસ ૩ લાઇનના કનેક્ટ રસ્તા પણ હશે. કોસ્ટલ રોડ, બાંદરા-વરલી સી-લિન્ક, બાંદરા-વર્સોવા સી-લિન્ક અને વર્સોવા-વિરાર સી-લિન્કના જોડાણથી વિરારથી નરીમાન પૉઇન્ટ-કોલાબા સુધી પહોંચવા માટે અત્યારે વાહન માર્ગે લાગતા ત્રણ કલાકના સમયને બદલે માત્ર એક કલાકમાં પહોંચી શકાશે.
મુંબઈ લંડન-સિંગાપોરની હરોળમાં આવી જશે
એમએમઆરડીએના કમિશનર એસ. વી. આર. શ્રીનિવાસે આપેલી માહિતી મુજબ ‘આ વર્ષે દક્ષિણ મુંબઈમાં આવેલા ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ અને કોસ્ટલ રોડમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે એક ટનલ બનાવવામાં આવશે. વર્સોવા-વિરાર સી-લિન્ક રોડ અને થાણેથી બોરીવલી સુધી ૧૧.૮૫ કિલોમીટર લંબાઈની ભૂગર્ભ ટનલ બાંધવાનું કામ હાથ ધરાશે. ઘાટકોપરના છેડાનગર ફ્લાયઓવરને વિસ્તારવાથી થાણેથી પશ્ચિમી ઉપનગર અને નવી મુંબઈની દિશામાં વાહનોની અવરજવર સરળતાથી થઈ શકશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા હળવી થવાની સાથે સમય અને ઈંધણની બચત થશે. મૂળભૂત સુવિધાઓની સાથે ભારત માટેનો નવો પ્રોજેક્ટ ‘મુંબઈ આય’ (જાયન્ટ ઑબ્ઝર્વેશન વ્હીલ) મુંબઈમાં હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી મુંબઈ લંડન અને સિંગાપોરની હરોળમાં આવી જશે.’
બેઠકના મહત્ત્વના નિર્ણયો
- બોરીવલી-થાણે વચ્ચે ટ્વિન ટનલનું બાંધકામ
- બીકેસીના જી બ્લૉકમાં ઈ-ટેન્ડરિંગના માધ્યમથી બે પ્લૉટ ડિસ્પોઝ કરવા
- મેટ્રો-૫ લાઇનને કલ્યાણ-ઉલ્હાસનગર સુધી લંબાવવા માટે કન્સલ્ટન્ટ નીમીને પ્રોજેક્ટ તૈયાર કરવો
- મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રચર અને મેટ્રો નેટવર્ક માટે એમએમઆરડીએએ કરેલો ખર્ચ પરત મેળવવા માટે મુંબઈમાં પ્રવેશ કરતા વાહનધારકો પાસેથી ટોલ ડિસેમ્બર ૨૦૨૭થી વસૂલ કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ
- ઑથોરિટીએ થાણે ખાડીના બાલકુમ અને ગાયમુખ વચ્ચેના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ