ઉદ્ધવસેનાનાં રાજ્યસભાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ MTNLમાં ફરિયાદ કરી
પ્રિયંકા ચતુર્વેદી
ઉદ્ધવસેનાનાં રાજ્યસભાનાં સભ્ય પ્રિયંકા ચતુર્વેદી ગોરેગામ-વેસ્ટમાં આવેલા ઉન્નતનગરમાં રહે છે. તેમના ઘરમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)નો લૅન્ડલાઇન નંબર છે. આ ફોન બંધ થઈ ગયો હોવાથી પ્રિયંકા ચતુર્વેદીએ MTNLમાં ફરિયાદ કરી હતી. MTNLની ટીમે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરી તો એમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. પ્રિયંકા ચતુર્વેદીના ઘર અને આસપાસમાંથી ટેલિફોન નિગમના તાંબાના વાયર કોઈએ કાપી નાખ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. MTNLની ટીમે આ બાબતે સઘન તપાસ કર્યા બાદ જણાયું હતું કે ૧૨ લાખ રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ છે. આથી તેમણે ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
MTNLના ગોરેગામ-વેસ્ટ ટેલિફોન એક્સચેન્જના ડેપ્યુટી મૅનેજર ગિરીશ સાવંતે કહ્યું હતું કે ‘૧૯૯૫ પહેલાં ટેલિફોનના વાયર જમીનની અંદરથી પસાર થતી પાઇપલાઇનમાં નાખવામાં આવ્યા હતા. આ વાયર અત્યારે પણ કામ કરી રહ્યા છે. પ્રિયંકા ચતુર્વેદીએ લૅન્ડલાઇન બંધ થઈ હોવાની ફરિયાદ કર્યા બાદ અમે તપાસ કરી તો ૨૭૩૬ મીટર લંબાઈના તાંબાના ૮ વાયર ગાયબ હોવાનું જણાયું હતું. જમીનની અંદર પાઇપલાઇનમાંથી વાયર ચોરી થવાની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શક્યતા છે, કારણ કે ૩૦ વર્ષ જૂની ટેલિફોનલાઇનના વાયરની માહિતી વિના કોઈ ચોરી ન કરી શકે.’


