કમલકાન્ત શાહની હત્યાનાં આરોપી કાજલ શાહ અને તેના પ્રેમી હિતેશ જૈન સામે માતા સરલાદેવીની પણ હત્યાનો ગુનો નોંધવાની પોલીસની છે તૈયારી
કાજલ અને કમલકાન્ત શાહ
મુંબઈ : સાંતાક્રુઝના કમલકાન્ત શાહની સ્લો પોઇઝન આપીને હત્યા કરવાના આરોપસર પકડાયેલી તેમની જ પત્ની કાજલ શાહ અને તેના પ્રેમી હિતેશ જૈનની સામે હવે કમલકાન્તની માતા સરલાદેવીની પણ એ જ રીતે હત્યા કરી હોવાના આરોપસર ગુનો દાખલ કરવાનું ક્રાઇમ બ્રાન્ચ વિચારી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કાજલ અને હિતેશે કાજલનાં ૬૫ વર્ષનાં સાસુ સરલાદેવીની સ્લો પોઇઝન આપીને હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. ઑગસ્ટ મહિનામાં સરલાદેવીનું મૃત્યુ થયું હતું, જ્યારે કમલકાન્તનું મૃત્યુ સપ્ટેમ્બર મહિનામાં થયું હતું. સરલાદેવીનું મૃત્યુ થયું ત્યારે એને નૅચરલ ડેથ જ ગણાવાયું હતું. એ વખતે તેમના પરિવાર દ્વારા તેમનું મૃત્યું શંકાસ્પદ છે એવો કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો. એ વખતે ડૉક્ટરને પણ સરલાદેવી મોટી ઉંમરનાં હોવાથી કોઈ શંકા ગઈ નહોતી. ક્રાઇમ બ્રાન્ચના એક ઑફિસરે જણાવ્યું હતું કે એવા સાંયોગિક પુરાવા છે જેના આધારે એમ કહી શકાય કે સરલાદેવીની પણ હત્યા કરાઈ છે. પોલીસનું કહેવું છે કે આર્સેનિક અને થેલિયમને મિક્સ કરીને એ કમલકાન્તને રોજ હર્બલ ડ્રિન્કમાં આપવામાં આવતું હતું. કમલકાન્ત શાહનું ૧૯ સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. ક્રાઇમ બ્રાન્ચ યુનટિ-૯ના અધિકારીઓ કાજલ અને હિતેશ સામે સરલાદેવીની હત્યાનો કેસ નોંધવો કે નહીં એ સંદર્ભે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે. આ સંદર્ભે વધુ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચના એક ઑફિસરે કહ્યું હતું કે ‘કાયદાકીય સલાહ એ માટે જરૂરી છે કે સરલાદેવીનો મૃતદેહ હવે નથી અને એનું પોસ્ટમૉર્ટમ પણ કરાયું નહોતું. આ કેસમાં પુરાવા મેળવવા એ બહુ જ પડકારભર્યું રહેવાનું છે. એથી અમે ડૉક્ટરોનાં સ્ટેટમેન્ટ્સ નોંધી રહ્યા છીએ, જેથી તેમના મૃત્યુ વખતનાં ચોક્કસ લક્ષણો અને એ માટેનાં કારણો જાણી શકાય અને કેમ એ વખતે કોઈને એ બદલ શંકા ન ગઈ એ પણ જાણી શકાય.’
ADVERTISEMENT
કાજલ શાહ અને હિતેશ જૈનના રિમાન્ડ લંબાવવા તેમને ગઈ કાલે કિલ્લા કોર્ટમાં હાજર કરાયાં હતાં. કોર્ટે તેમની જુડિશ્યલ કસ્ટડી ૨૭ ડિસેમ્બર સુધી લંબાવી આપી છે. પોલીસની રજૂઆતને પડકારતાં કાજલ શાહના વકીલ ગિરીશ કુલકર્ણીએ કહ્યું હતું કે ‘સરલાદેવીનું મૃત્યુ ન્યુમોનિયાને કારણે થયું હતું અને એ બદલ હૉસ્પિટલના ડૉક્યુમેન્ટ્સ પણ છે. પોલીસ હવે એ ડૉક્યુમેન્ટ્સને ચકાસી અલગ-અલગ થિયરીઓ બનાવી રહી છે.’

