‘ખેલૈયા’ અને ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ જેવાં અદ્ભુત સર્જનના સર્જક ચંદ્રકાન્ત શાહ આમ તો ચંદુ શાહના નામે વધુ જાણીતા હતા. આ કવિ, લેખક, નાટ્યકાર અને ફિલ્મકારનું ગઈ કાલે ગાંધીનગર નજીકની હૉસ્પિટલમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું
સસરા તારક મહેતા સાથે જમાઈ ચંદ્રકાંત શાહ અને લેખક ઉદયન ઠક્કર.
ચંદ્રકાન્ત શાહ કવિતા અને રંગભૂમિના તૈયાર માર્ગે ચાલ્યા નથી, તેમણે ચીલો ચાતર્યો છે.
‘ફૅન્ટૅસ્ટિક્સ’ સંગીત-નાટકનું ચંદ્રકાન્તે ‘ખેલૈયા’ નામે રૂપાંતર કર્યું. (દિગ્દર્શક મહેન્દ્ર જોષી, સંગીત રજત ધોળકિયા, અભિનેતાઓ (કાળક્રમે બદલાતા) પરેશ રાવલ, ફિરોઝ ખાન, જયંત વ્યાસ, સુરેન ઠાકર ‘મેહુલ’, સનત વ્યાસ, દર્શન જરીવાલા, મમતા શેઠ). ‘ખેલૈયા’એ મુંબઈમાં તરખાટ મચાવ્યો. ભાઈદાસ હૉલમાં બટાટાવડાં ખાવા આવતા પ્રેક્ષકો ‘ખેલૈયા’ જોવા પૃથ્વી થિયેટર જેવી એક્સપરિમેન્ટલ રંગભૂમિની કતારમાં ખડા થઈ ગયા. નાટકમાં રોમિયો-જુલિયટ જેવી યંગ લવસ્ટોરી હતી. એનાં ગીતો આજેય કર્ણપટ પર ગુંજે છે, ‘એ આવ્યા આવ્યા ખેલૈયા આવ્યા, રંગરાજિયા ખેલૈયા, લાયા લાયા છે ખેલ પેલી સાંજનો, રંગભીનો ખેલૈયા’ કે પછી ‘આંગળીમાં ફૂટે ટચાકા ને ટચકામાં રઘવાતું કોડીલું નામ, એમ કેમ સહેજમાં હું કહી દઉં એ લખલખતું નામ? એ છે કલબલતું નામ.’
ચંદ્રકાન્તે સતીશ આકલેકરના મરાઠી નાટક ‘બેગમ બર્વે’ પરથી ‘માસ્ટર ફૂલમણિ’ અને જેરોમ રૉબિન્સના ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ પરથી ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ સંગીત-નાટકો લખ્યાં. ‘કાબરો’ ‘હુતો હુતી’ અને ‘એક હતી રૂપલી’ નાટકો પણ તેમના નામે છે. ચંદ્રકાન્તના પહેલા કાવ્યસંગ્રહ ‘અને થોડાં સપનાં’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું હતું અને એ એસએનડીટી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાયો હતો. એના બીજા કાવ્યસંગ્રહ ‘બ્લુ જીન્સ’ વડે તેણે
નવી કાવ્યભાષાનું નિર્માણ કર્યું. ચંદ્રકાન્તે આયુષ્યનો ઉત્તરકાળ અમેરિકામાં વિતાવ્યો. બાલ્યકાળ અને કિશોરવય તળ ગુજરાતમાં પસાર કરી હોવાથી તળપદી ભાષા ચંદુને (તે મજાકમાં પોતાને ચંદુ ચારસો વીસ કહેતો) હૈયાવગી હતી. અમેરિકામાં સફળ વ્યવસાયને કારણે ત્યાંની સ્લેંગ-બોલી પણ હોઠવગી થઈ ગઈ. ચંદ્રકાન્ત મુખ્યત્વે ગીતકવિ હતો અને કાવ્યમાં તળપદી ગુજરાતી અને
અમેરિકન અંગ્રેજીનું એના જેવું સંયોજન ન કોઈએ કર્યું હતું, ન કોઈ કરી શકશે. તેણે માત્ર કાવ્યો નથી રચ્યાં, કાવ્યભાષા પણ રચી છે. આ ગીત સાંભળો...
ખંતીલા એક ખેડૂત, નામે પટેલ બેચર ભૈ
બેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવાદેવા નૈં
માદરપાટનું મેલું ચોયણું અને કેડિયું સાવ કધોણું
બેચર ભૈના વૉર્ડરોબમાં કપડાંનું આ એક જ જોડું
સ્ટોનવૉશ છે કાયા, માયા રાજકોટના સ્ટેશનની
પૅરિસ બેરિસ મા પૈણતા, કોણ કૂટે લડ ફૅશનની
ધરતીમાંથી મેડ ઇન પોતે, ટોટલ નેટિવ સ્ટાઇલ
થવાકાળ સૌ ફેઇડ થવાનાં, જીવવું ફોર અ વાઇલ
બેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવાદેવા નૈં
બોલો બ્રુક શીલ્ડ્સની જૈ અને મા ચામુંડાની જૈ
ચંદ્રકાન્તની ડાયાસ્પોરિક કવિતાની આ ડિફાઇનિંગ મૂવમેન્ટ છે. (નિર્વાસિત પ્રજાને ડાયાસ્પોરા કહે છે.) આખો કાવ્યસંગ્રહ આવી મિશ્ર ભાષામાં અને મુખ્યત્વે
કટાવ છંદનાં આવર્તનોમાં રચાયો છે. જીન્સ એટલે ‘કપડાની જાત’ અથવા તો ‘રંગસૂત્ર’, એમ શ્લેષ કરાયો છે. કવિનો અભિગમ અસ્તિત્વવાદી છે, તેમને ભવસાગર તરી જવા કોઈ આધાર
જોઈતો નથી, અપના હાથ, જગન્નાથ. શનિવારે ચંદ્રકાન્તે રંગમંચ પરથી એક્ઝિટ લઈ લીધી;
આપણે તેના જ શબ્દોમાં અંજલિ આપીએ...
એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે
અસ્ત્રશસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે
ભવસાગર કે વૉટેવરને પાર ઊતરવા
હરિબરિ કોઈ ખપે નહીં, બ્લુ જીન્સ હરિનું નામ
જીનમાં ખાવું, જીનમાં પીવું, જીનમાં રહેવું મસ્ત
અસ્ત પણ જીનમાં થાવું, જીનમાં જાવું અમરાપરને ધામ
હવે બ્લુ જીન્સ હરિનું નામ


