સદીઓ જૂના રે રોડ બ્રિજના પિયર્સને ખસેડી એક પછી એક પથ્થર સજાવીને ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાનનું ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરાયું
રે રોડ બ્રિજના ટુકડાઓમાંથી ઑગસ્ટ ક્રાન્તિ મેદાનનું પ્રવેશદ્વાર બનાવાયું છે
મહાત્મા ગાંધીએ ૧૯૪૨માં ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાંથી ભારત છોડો ચળવળ શરૂ કરી હતી, જેને કારણે એને ઐતિહાસિક મેદાનનો દરજ્જો મળ્યો હતો. હવે આ ઐતિહાસિક મેદાનના નામે વધુ એક સિદ્ધિનો ઉમેરો થઈ રહ્યો છે. એક સમયે હેરિટેજ સ્ટેશનને જોડતા સદીઓ જૂના રે રોડ બ્રિજના બે પિયર્સ અને બે પિયર કૅપ્સ હવે આ મેદાનના પ્રવેશદ્વારનો હિસ્સો બન્યા છે.
માનવીય વપરાશ માટે ભયજનક પુરવાર થયેલા બ્રિટિશકાળના રે રોડ બ્રિજને ગયા વર્ષે તોડી પાડવામાં આવ્યો હતો. બ્રિજને તોડી પાડતી વખતે બીએમસીના કન્ઝર્વેશન વિભાગના એન્જિનિયર્સે બ્રિજનું અદ્ભુત સ્ટોનવર્ક જોયા બાદ એને કાટમાળમાં જવા દેવાના સ્થાને પિયર્સ તેમ જ પિયર કૅપ્સનો અન્યત્ર ઉપયોગ કરવાનું વિચાર્યું હતું એમ જણાવતાં ઑફિસર્સે ઉમેર્યું હતું કે એન્જિનિયરો તેમ જ કન્ઝર્વેશન આર્કિટેક્સની મદદથી આ પિયર અને પિયર કૅપ્સની જાળવણી માટેની એક યોજના તૈયાર કરવામાં આવી.
ADVERTISEMENT
બ્રિજ તોડી પડાયો એ જ સમયે બીએમસી ઑગસ્ટ ક્રાન્તિ મેદાનના પુનરુત્થાન અને નવીનીકરણ પર કામ કરી રહ્યું હતું. આ મેદાનમાંથી ૮ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારત છોડવાની હાકલ કરતાં આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી.

રે રોડ બ્રિજના આ પિયર્સને જાળવીને નંબર આપીને છૂટા પાડીને જમીન પર મૂક્યા બાદ આ તમામ પિયર્સ અને પિયર કૅપ્સનો ઉપયોગ કરીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાનનું ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરાયું હતું. આ આખી પ્રક્રિયાને ખૂબ કાળજીપૂર્વક વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાઈ હતી.
ગયા વર્ષે તોડી પાડવામાં આવેલા બ્રિજના સ્થાને બાંદરા વરલી સી-લિન્ક જેવો જ નવો આધુનિક કેબલ-સ્ટેડ બ્રિજ તૈયાર કરાયો હતો. મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ હવે નવું કનેક્ટર બાંધી રહ્યા છે.


