અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સમાં
શુભાંગી ઘુળે
તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના અલબામામાં વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયર વિભાગની અધિકારી શુભાંગી ઘુળેએ બ્રૉન્ઝ મેડલ જીતીને પનવેલ સાથે ભારતનું નામ પણ રોશન કર્યું છે.
રિયલ લાઇફ ઇમર્જન્સીને દર્શાવતી અનેક પડકારજનક ઘટનાઓમાં પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓનું કૌશલ્ય અને સહનશક્તિને ચકાસતી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના ૫૦ દેશોએ આ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં સ્ટ્રેંગ્થ, સ્પીડ અને ટેક્નિકનું અદભુત પ્રદર્શન કરીને શુભાંગીએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ચીફ ફાયર ઑફિસર પ્રવીણ બોડાખેએ જણાવ્યું હતું કે ‘શુભાંગીની જીત ઇમર્જન્સી સર્વિસના અધિકારી તરીકેનું તેનું પોટેન્શ્યલ જ સાબિત નથી કરતું, પરંતુ શારીરિક શ્રમ માગતા અને પડકારજનક એવા ફાયરફાઇટિંગના ક્ષેત્રે મહિલાઓના વધી રહેલા યોગદાનને પણ દર્શાવે છે.’
ADVERTISEMENT
પનવેલ ફાયર વિભાગમાં એક જ વર્ષ પહેલાં જોડાયેલી શુભાંગી જણાવે છે કે ‘આ કૉમ્પિટિશન મારા માટે ખૂબ મહત્ત્વની હતી. મારા કોચનો, પરિવારનો અને મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ખૂબ સારો સ્પોર્ટ રહ્યો. વધુ મહેનત કરીને ભવિષ્યમાં પણ ભારતનું નામ રોશન કરતી રહીશ.’ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાગ લેતાં પહેલાં શુભાંગીએ નૅશનલ લેવલ પર ઑલ ઇન્ડિયા ફાયર સર્વિસિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસિસ મીટમાં ડિસ્ક થ્રો અને શૉટ પુટ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

