દરેક ભારતીયનું એક સપનું હોય છે કે જીવનમાં એક વખત તો કાશ્મીર જવું છે અને આવાં જ સપનાં સેવીને કોઈ માંડ પ્લાન કરીને કાશ્મીર જાય છે પરંતુ કાશ્મીરમાં ફરવા જ ન મળે તો નિરાશ થઈ જવાય.
કૃણાલ ઝવેરીનું ગ્રુપ
દરેક ભારતીયનું એક સપનું હોય છે કે જીવનમાં એક વખત તો કાશ્મીર જવું છે અને આવાં જ સપનાં સેવીને કોઈ માંડ પ્લાન કરીને કાશ્મીર જાય છે પરંતુ કાશ્મીરમાં ફરવા જ ન મળે તો નિરાશ થઈ જવાય. આવું જ કંઈક મહાવીરનગરમાં રહેતા કૃણાલ ઝવેરી સાથે થયું છે જેઓ પોતાના ગ્રુપ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા છે અને અત્યારે ગુલમર્ગમાં છે. બુધવારે પહલગામ જવાના હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિને લીધે તેઓએ પોતાનો પ્લાન બદલી નાખ્યો છે અને ટૂર ટૂંકાવીને મુંબઈ પાછા આવી રહ્યા છે.
કાશ્મીરના પ્લાનને ટૂંકાવવા વિશે જણાવતાં કૃણાલ ઝવેરી કહે છે, ‘અમારી પાસે પ્લાન ટૂંકાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો. અમારું પહલગામ જ હવે બાકી હતું અને ત્યાંની સુંદરતા વિશે એટલું બધું સાંભળ્યું હતું એટલે અમે ત્યાં ત્રણ દિવસ ફાળવવાનું નક્કી કર્યું હતું. જોકે હવે અમારે એના પર ચોકડી મૂકી દેવી પડી છે. અમે અત્યારે ગુલમર્ગમાં છીએ અને અહીં બધું બરોબર છે, પરંતુ લોકલ લોકોએ આજે અહીં સ્વૈચ્છિક બંધ પાળ્યો છે એટલે બધી દુકાનો અને માર્કેટ બંધ છે. મોટા ભાગના ટૂરિસ્ટ-સ્પૉટ પણ બંધ છે અને અમે બે દિવસથી અહીં જ છીએ. અમારા મૂળ પ્લાન પ્રમાણે બુધવારે અમે પહલગામ જવાના હતા, પરંતુ પહલગામમાં બનેલી ઘટનાને લીધે અમે અમારો પ્લાન ચેન્જ કરી દીધો છે અને અમે અહીં જ ગુલમર્ગમાં એક દિવસ લંબાવી દીધો છે. હોટેલવાળાઓનો પણ અમને સહકાર મળ્યો છે એટલે હવે અમે ગુરુવારે નીકળીને મુંબઈ આવીશું.’
હોટેલ્સ અને ઍરલાઇન્સ ખૂબ સપોર્ટિવ બની છે
કુણાલ ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે ‘કાશ્મીરમાં સ્થિતિ વણસતાંની સાથે અમે મુંબઈ પાછા આવવા માટે ટિકિટ બુક કરાવી લીધી હતી. ઍરલાઇન્સ બાબતે ગવર્નમેન્ટની ઍડ્વાઇઝરી પછીથી આવી હતી, અમે તો એ પહેલાં જ ટિકિટ બુક કરાવી લીધી હતી. જોકે અમે ઍરલાઇન્સ સાથે કો-ઑર્ડિનેટ કરી લીધું છે અને ખૂબ જ સરળ રીતે બધું કામ થઈ ગયું છે. અમે ૧૬ જણ છીએ જેમાં કેટલાક ગુજરાતના તો કેટલાક મુંબઈના છે. હોટેલ પણ પ્રવાસીઓને સારુંએવું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને તેમને ચેકઆઉટ કરવા માટે પણ કોઈ દબાણ કરતી નથી તેમ જ સુરક્ષા પણ ખૂબ વધારી દેવાઈ છે. બસ હવે હેમખેમ ઘરે પહોંચી જઈએ એટલે નિરાંત.’

