પહલગામ આતંકવાદી હુમલામાં ઘાયલ થનારા નવી મુંબઈના સુબોધ પાટીલ ૭ દિવસની સારવાર પછી પાછા ફર્યા
પહલગામના હુમલા બાદ હેમખેમ પત્ની સાથે પાછા ફરેલા નવી મુંબઈના સુબોધ પાટીલ.
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન વૅલીમાં આતંકવાદીઓએ બાવીસમી એપ્રિલે હિન્દુ પુરુષોને ગોળી મારી હતી એમાં નવી મુંબઈના કામોઠેમાં આવેલી રૉયલ હાઇટ્સ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના સુબોધ પાટીલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુબોધ પાટીલ પહલગામની આર્મી હૉસ્પિટલમાં ૭ દિવસ સારવાર લઈને ગુરુવારે તેમના નવી મુંબઈના ઘરે પત્ની સાથે પાછા ફર્યા હતા.
સુબોધ પાટીલે ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરી એમાં તેમના પર કેવી રીતે હુમલો થયો હતો અને ઘાયલ થયા બાદ તેમને કોણે અને કેવી રીતે હૉસ્પિટલ પહોંચાડ્યા હતા એ વિશે વિસ્તારથી માહિતી આપી હતી.
ADVERTISEMENT
સુબોધ પાટીલે કહ્યું હતું કે ‘હું પત્ની અને બીજા દસેક ટૂરિસ્ટ સાથે પહલગામની બૈસરન વૅલીમાં હતો ત્યારે હાથમાં રાઇફલ સાથે ત્રણ-ચાર લોકો અમારી પાસે આવ્યા હતા. અમને બધાને તેમણે બેસી જવાનું કહ્યું હતું. અમે બધા બેસી ગયા ત્યારે એક રાઇફલધારીએ કહ્યું કે તમારામાંથી હિન્દુ હોય તે ઊભા થાય. બીજા કેટલાક ટૂરિસ્ટોની સાથે હું ઊભો થયો ત્યારે આતંકવાદીઓએ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મને બે ગોળી વાગતાં હું બેહોશ થઈ ગયો હતો. કેટલાક કલાક બાદ મારી આંખ ખૂલી ત્યારે આસપાસ મૃતદેહો પડેલા જોયા હતા. મેં મદદ કરવા માટે બૂમ પાડી ત્યારે જે સ્થાનિક રહેવાસી અમને બૈસરન વૅલીમાં લાવ્યો હતો તેણે મને ઓળખી લીધો હતો. તેણે મને પીવાનું પાણી આપ્યું હતું. પછી મને પીઠ પર નાખીને તે મૃતદેહોની વચ્ચેથી દૂર લઈ ગયો હતો. બાદમાં બાઇક પર અમે હિલ વિસ્તારથી નીચેની તરફ ગયા હતા. આર્મીના જવાને ગોળી વાગી હતી ત્યાં મને પટ્ટી બાંધી હતી. બાદમાં મને આર્મીના હેલિકૉપ્ટરમાં પહલગામની આર્મી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. અહીં ૭ દિવસ સારવાર કર્યા બાદ હું ઠીક થયો અને નવી મુંબઈ આવ્યો છું.’
સુબોધ પાટીલ પત્ની સાથે ગુરુવારે રાત્રે તેમના નવી મુંબઈના ઘરે હેમખેમ પહોંચ્યા ત્યારે તેમના પાડોશી, સંબંધીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ફૂલોથી સ્વાગત કર્યું હતું.


