Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્થળાંતર બની ગયું સજા

સ્થળાંતર બની ગયું સજા

16 February, 2023 07:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુર્લાના પ્રીમિયર કમ્પાઉન્ડમાં આગમાં એકનું મોત અને આઠ ઘાયલ : ભોંયતળિયે ઇલેક્ટ્રિક ડક્ટમાં લાગેલી આગ ટૉપ ફ્લોર બારમા માળે બહાર નીકળી હતી અને ધુમાડો ફેલાયો હતો : ૪૦૦ વિસ્થાપિતોને સ્થળાંતર કરાવીને ઘર તો આપ્યાં, પણ નાગરી સુવિધાઓ માટે તેમણે ખાવા પડે...

ધુમાડો શ્વાસમાં જવાથી ૭૦ વર્ષનાં શકુંતલા રમાણેનું મૃત્યુ થયું હતું. ઇલેક્ટ્રિક વાયર ના ડક્ટમાં આગ લાગતાં વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. હવે ૧૫થી ૨૦ લાખનો ખર્ચ થશે.

Kurla Fire

ધુમાડો શ્વાસમાં જવાથી ૭૦ વર્ષનાં શકુંતલા રમાણેનું મૃત્યુ થયું હતું. ઇલેક્ટ્રિક વાયર ના ડક્ટમાં આગ લાગતાં વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. હવે ૧૫થી ૨૦ લાખનો ખર્ચ થશે.



મુંબઈ : કુર્લા-વેસ્ટમાં આવેલા પ્રીમિયર કમ્પાઉન્ડમાં એચડીઆઇએલના એસઆરએના ૭ નંબરના બિલ્ડિંગની ‘સી’ ​વિંગના ભોંયતળિયે આવેલા ઇલેક્ટ્રિક ડક્ટમાં ગઈ કાલે સવારે ૬.૫૬ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ડક્ટમાં લાગેલી આગ ટૉપ ફ્લોર બારમા માળે બહાર નીકળી હતી અને ધુમાડો ફેલાઈ ગયો હતો. આ ધુમાડો બારમા માળે ફેલાતાં ડક્ટની બાજુમાં જ આવેલા ૧૨૦૧ નંબરના ફ્લૅટમાં રહેતા રમાણે પરિવારને એની સૌથી વધારે અસર થઈ હતી. ૭૦ વર્ષનાં શકુંતલા રમાણેનું શ્વાસમાં ધુમાડો જવાથી ગૂંગળામણ થવાને કારણે મોત થયું હતું; જ્યારે તેમના પતિ, દીકરો અને પૌત્રને પણ એની અસર થતાં રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કુલ આઠ જણ રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

આગ લાગ્યાની જાણ થતાં તરત જ ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટૅન્કર, ઍમ્બ્યુલન્સ અને અન્ય રેસ્ક્યુ વાહનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ૮.૪૨ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને આગ ઓલવી દેવાઈ હતી. 



આ ઘટના વિશે માહિતી આપતાં ત્યાંના રહેવાસી પરશુરામ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ નીચે ભોંયતળિયે ઇલેક્ટ્રિક ડક્ટમાં લાગી હતી જે ઉપરની તરફ વધી હતી અને બારમા માળે એનો ધુમાડો બહાર પડતાં ત્યાં સૌથી વધુ અસર થઈ હતી અને શકુંતલા રમાણેનું ધુમાડાને કારણે ગૂંગળામણ થવાથી મોત થયું હતું. એવું લાગી રહ્યું છે કે શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. આગ લાગ્યાની જાણ થતાં જ હોહા મચી ગઈ હતી. કેટલાક લોકો ટેરેસ પર દોડી ગયા હતા તો કેટલાક રહેવાસીઓ આઠમા માળે રેફ્યુજ એરિયામાં ભેગા થઈ ગયા હતા. કેટલાક લોકો ઘરમાંથી બહાર જ ન નીકળતાં દરવાજો બંધ કરી દીધો અને ઘરની વિન્ડો ખોલીને ત્યાંથી ફ્રેશ ઍર મળતી રહે એ રીતે એની પાસે ગોઠવાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ આવ્યા બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આગમાં આખું વાયરિંગ બળી ગયું હતું.’


પરશુરામ કદમે વધુમાં કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં બાજુની ‘જી’ વિંગના મીટરરૂમમાં આગ લાગી હતી. જોકે એ વખતે એ આગ વધુ મોટી નહોતી અને વધુ નુકસાન થયું નહોતું. એ મીટરરૂમ ફરી ઊભી કરવામાં અંદાજે એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે આ વખતે નુકસાન મોટું થયું છે. તાતા પાવરના અધિકારીઓ આવીને ઇન્સ્પેક્શન કરી રહ્યા છે. જોકે તેમના કહેવા અનુસાર આ વખતે અંદાજે ૧૫થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે. આ મકાનમાં બધા જ પરિવારો મધ્યમ વર્ગના છે એટલે આટલા મોટા ખર્ચને હવે કઈ રીતે પહોંચી વળવો એ સવાલ છે. બીજું, હાલ જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી ન આવે ત્યાં સુધી રહેવામાં પણ હેરાનગતિ ભોગવવી પડે એમ છે. મૂળમાં અમે બધા ૪૦૦ પરિવારો ઘાટકોપરમાં રાજાવાડી પાઇપલાઇન પાસે રહેતા હતા. બીએમસીએ અમારું અહીં સ્થળાંતર કર્યું છે. ચાર વિંગ અમને અલૉટ કરાઈ છે જેમાં હાલ ૩૬૬ પરિવાર રહે છે. જોકે અમારી હાલત કફોડી છે, કારણ કે નાગરી સુવિધાઓ માટે અમારે બહુ હેરાન થવું પડે છે. આ મકાનો બનાવનાર એચડીઆઇએલ પાસે એ માટે ગયા તો તેમણે કહ્યું કે એસઆરએ પાસે જાવ. એસઆરએ પાસે ગયા તો કહે કે અમે ૨૦૨૧માં જ પ્રોજેક્ટ એમએમઆરડીએને હૅન્ડઓવ‍ર કર્યો છે એટલે તમને નાગરી સુવિધાઓ આપવાની જવાબદારી હવે એમની છે. એથી એમએમઆરડીએ પાસે ગયા તો કહે કે તમને જેણે (બીએમસી) જગ્યા અલૉટ કરી છે એ તમને નાગરી સુવિધાઓ આપશે. આમ અમારે એક ઑફિસથી બીજી ઑફિસના ધક્કા ખાવા પડે છે, પણ કામ થતું નથી.’ 

હાલ પરિસ્થિતિ એવી છે કે ૧૨ માળની વિંગમાં દરેક માળ પર સાત ફ્લૅટ છે એમ જણાવીને પરશુરામ કદમે વધુમાં કહ્યું હતું કે ‘મૂળ પ્લાન મુજબ બે લિફ્ટ બનાવાઈ છે, પણ એક જ ચાલુ હોય છે. વળી એ લિફ્ટનું બિલ્ડરે લાઇટબિલ ભર્યું નહોતું એ પેન્ડિંગ હતું એ પણ અમે ભરીને લિફ્ટ ચાલુ કરાવી. હવે એ એક જ લિફ્ટ ચાલુ રહેતી હોવાથી એના પર લોડ આવે છે અને એ અવારનવાર બગડી જાય છે એથી એનું રિપેરિંગ પણ અમે જ કરાવીએ છીએ. હવે આગ લાગવાથી ઇલેક્ટ્રિક વાયરિંગનો ૧૫થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કેવી રીતે ઉપાડવો એ પણ એક સવાલ છે. અમે પૉલિટિકલ પાર્ટીઓને અને સુધરાઈને આ બાબતે વાત કરી છે. જોઈએ હવે શું ઉકેલ આવે છે.’  


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK