બસોની સંખ્યામાં ઘટાડો થવાને લીધે અનેક રૂટ બંધ કરવામાં આવ્યા. પરિણામે સવાર-સાંજ ધસારાના સમયે પ્રવાસીઓએ કરવો પડે છે હેરાનગતિનો સામનો
BEST બસ
મુંબઈગરાઓ એકથી બીજા સ્થળે સસ્તામાં અને સરળતાથી જઈ શકે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અંતર્ગત બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસો ચલાવવામાં આવે છે. જોકે છેલ્લા થોડા સમયથી બસોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે એને લીધે શહેરના અનેક મહત્ત્વના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. એક સમયે BEST પાસે પોતાની ૩૬૦૦ બસ હતી જે ૫૦૦ રૂટ પર દોડતી હતી. આની સામે અત્યારે BEST પાસે પોતાની માત્ર ૧૦૦૦ બસ છે અને એણે લીઝ પર ૧૯૧૧ બસ લીધી છે. આથી જ્યાં એક સમયે ૫૦૦ રૂટ પર બસ દોડતી હતી એની સંખ્યા હવે ૩૦૦ રૂટ થઈ ગઈ છે. આમાં પણ ઑક્ટોબર મહિનામાં લીઝ પર બસ આપતી કંપનીએ ૨૮૦ બસ પાછી ખેંચી લેવાને લીધે BESTની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
BESTની સર્વિસ ઓછી થવાને લીધે પ્રવાસીઓએ પણ સારીએવી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને સવાર-સાંજ ધસારાના સમયે. અમુક જગ્યાએ તો લાંબી-લાંબી લાઇનો જોવા મળતી હોય છે. આ સિવાય લીઝ પર જે બસ લીધી છે એના સ્ટાફ પર BESTનો કન્ટ્રોલ ન હોવાથી પણ સંચાલનમાં તકલીફ પડતી હોવાનું BEST પ્રશાસનનું કહેવું છે.
બંધ કરવામાં આવેલા અમુક રૂટ?
૧ : બાંદરા રેક્લેમેશનથી આર. સી. ચર્ચ
૧૮૦ : માલવણી ડેપોથી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
૩૨૯ : શિવાજીનગરથી અંધેરી
૪૯૧L : બ્રહ્માંડ, થાણેથી મરોલ ડેપો
૩૦૯ : ગોરાઈથી કુર્લા
૨૦L : ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોકથી શિવાજીનગર ડેપો
૪૯૭ : મુલુંડ સ્ટેશનથી લોકમાન્યનગર
૧૦૧ : ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોકથી વાલકેશ્વર
૧૦L : હુતાત્મા ચોકથી ઘાટકોપર ડેપો
૩૦L : મુંબઈ સેન્ટ્રલથી વિક્રોલી


