આજે મુંબઈ અને આસપાસ વાદળિયું હવામાન રહેશે અને હળવાંથી મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ ભારે વરસાદ અને ગઈ કાલે પણ છૂટાંછવાયાં ભારે ઝાપટાં પડતાં મુંબઈગરાએ હાલાકી ભોગવી હતી. જોકે હવે પહેલી ઑક્ટોબર સુધી ચાર દિવસ વાદળિયું હવામાન રહેશે અને હળવાંથી મધ્યમ ઝાપટાં પડશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. સાંતાક્રુઝમાં મૉન્સૂનની આ સીઝનમાં વરસાદે ૩૦૦૦ મિલીમીટરનો માર્ક ક્રૉસ કર્યો છે. આ વર્ષે ૨૭ સપ્ટેમ્બર સુધીમાં ૩૦૧૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા ચાર જ દિવસમાં મુંબઈમાં ૩૯૩ મિલીમીટર વરસાદ પડ્યો છે. આમ સપ્ટેમ્બરમાં એક જ મહિનામાં ૫૮૨ મિલીમીટર વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. આજે મુંબઈ અને આસપાસ વાદળિયું હવામાન રહેશે અને હળવાંથી મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે.