કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીની નવી બાંયધરી: હાઇવે બનાવવા માટે જમીન સંપાદિત કરવાની મુશ્કેલી દૂર થવાથી હવે ઝડપથી કામ થવાનો દાવો કર્યો
નીતિન ગડકરી
નૅશનલ હાઇવે-૬૬ એટલે કે મુંબઈ-ગોવા હાઇવેનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. કામ પૂરું કરવાની એક પછી એક અનેક ડેડલાઇન પસાર થઈ ગઈ હોવા છતાં હાઇવેનું કામ પૂરું નથી થઈ રહ્યું ત્યારે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ ગઈ કાલે કહ્યું હતું કે આ વર્ષના જૂન મહિનાના અંત સુધીમાં મુંબઈ-ગોવા હાઇવેનું કામ પૂરું થઈ જશે. નીતિન ગડકરીએ હાઇવેના કામમાં આવી રહેલી મુશ્કેલી વિશે કહ્યું હતું કે ‘હાઇવેના કામમાં અનેક અડચણ આવી હતી. હાઇવે બનાવવા માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર સંબંધી અનેક સમસ્યા આવી હતી. ત્રણ એકર જમીનના ૧૫-૧૫ વારસદાર હતા. તેમની વચ્ચે મતભેદ હતા. એને કારણે તેમને વળતર ચૂકવવામાં ઘણો સમય બરબાદ થયો હતો. બધાને વળતર ચૂકવી દેવાયું છે એટલે હવે કામ ઝડપથી આગળ વધશે અને જૂનના અંત સુધીમાં ૧૦૦ ટકા કામ પૂરું થઈ જશે.’

