મહારાષ્ટ્રમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં મંગળવાર, ૧૧ ઑગસ્ટથી લીટરદીઠ બે રૂપિયાનો વધારો થવાનો છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં મંગળવાર, ૧૧ ઑગસ્ટથી લીટરદીઠ બે રૂપિયાનો વધારો થવાનો છે. મિલ્ક પ્રોડ્યુસર્સ ઍન્ડ પ્રોસેસિંગ ઑન્ટ્રપ્રનર્સ વેલ્ફેર અસોસિએશને આ નિર્ણય લીધો છે. કાત્રજ મિલ્ક યુનિયનમાં કો-ઑપરેટિવ અને પ્રાઇવેટ ડેરીના પ્રતિનિધિઓની આયોજિત કરાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એથી ૧૧ ઑગસ્ટથી ગાયનું દૂધ ૬૨ રૂપિયા પ્રતિ લીટર અને ભેંસનું દૂધ ૭૬-૭૮ રૂપિયા પ્રતિ લીટર વેચાશે. તેમનું કહેવું છે કે ડીઝલના ભાવમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે, સાકરની કિંમતમાં કિલોદીઠ ૧૨ રૂપિયાનો વધારો થયો છે, પૅકેજિંગ-કૉસ્ટમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે અને દૂધ-કલેક્શનની કૉસ્ટમાં પણ વધારો થયો હોવાથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
વર્લ્ડ ફેડરેશન ઑફ ડાયમન્ડ બુર્સિસના પ્રેસિડન્ટ મેહુલ શાહનું અવૉર્ડ આપીને સન્માન
ADVERTISEMENT
ભારત ડાયમન્ડ બુર્સના વાઇસ-પ્રેસિડન્ટ મેહુલ શાહની હાલમાં જ વર્લ્ડ ફેડરેશન ઑફ ડાયમન્ડ બુર્સિસ (WFDB)ના પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગ્લોબલ ડાયમન્ડ ટ્રેડમાં તેમણે પારદર્શકતા લાવવા અને ભરોસો ઊભો કરવા માટે આપેલા ફાળા બદલ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ગુરુવારે ગ્રૅન્ડ હયાત હોટેલમાં યોજાયેલી ઇન્ડિયા ઇન્ટરનૅશનલ જ્વેલરી શો (IIJS) ભારત પ્રીમિયર સેલિબ્રેશન નાઇટ દરમ્યાન અવૉર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેહુલ શાહે આ અવૉર્ડ સ્વીકાર્યા બાદ એને ભારતના ડાયમન્ડના કારીગરોને સમર્પિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય ડાયમન્ડ કારીગરોની અદ્ભુત કારીગરીને કારણે ભારત ડાયમન્ડની બાબતે આખી દુનિયામાં સૌથી અગ્રેસર છે.
ડેન્ગીના સંભવિત સંવર્ધનસ્થળનું નિરીક્ષણ કરતી વખતે પડી જવાથી BMCના કર્મચારીનું મૃત્યુ
ભોઈવાડામાં શનિવારે ડેન્ગીના સંભવિત સંવર્ધનસ્થળનું નિરીક્ષણ કરતી વખતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ૪૭ વર્ષના કર્મચારીનું ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બપોરે ૩ વાગ્યાની આસપાસ ભોઈવાડા વિસ્તારમાં BDD ચાલ-નંબર 6-A ખાતે બની હતી. BMCના જણાવ્યા મુજબ એના પેસ્ટ કન્ટ્રોલ ઑપરેશન વિભાગનો પાંડુરંગ તોડકર બિલ્ડિંગમાં ડેન્ગીના સંભવિત સંવર્ધનસ્થળ પાણીની ટાંકીનું ઇન્સ્પેક્શન કરવા ગયો હતો ત્યારે એના દાદરા ઊતરતી વખતે તેનો પગ સરકી જતાં પાંચથી ૭ ફુટની ઊંચાઈએથી પડી ગયો હતો. તે પીઠ પર પડ્યો હતો, પણ એ વખતે લોખંડનો એક રૉડ તેની આંખમાં વાગ્યો હતો. ઘવાયેલા પાંડુરંગ તોડકરને તાત્કાલિક KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સેન્ટ્રલ રેલવેમાં મુલુંડ-માટુંગા વચ્ચે આજે મેગા બ્લૉક, હાર્બર લાઇનની ટ્રેનો પણ બંધ રહેશે
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે.હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ચૂનાભઠ્ઠી/બાંદરા લાઇન સવારના ૧૧.૪૦થી સાંજના ૪.૪૦ સુધી બંધ રહેશે. બાંદરા-ગોરેગામ (હાર્બર લાઇન) પણ બંધ રહેશે. આ સમય દરમ્યાન CSMTથી વાશી, બેલાપુર, પનવેલની ટ્રેનો પણ બંધ રહેશે. જોકે પ્રવાસીઓની સુવિધા માટે કુર્લાથી પનવેલ વચ્ચે દર ૨૦ મિનિટે સ્પેશ્યલ લોકલ દોડાવવામાં આવશે.વેસ્ટર્ન રેલવેમાં આજે દિવસ દરમ્યાન બ્લૉક નથી.
