૬૪ વર્ષના વૃદ્ધનું મૃત્યુ, બે ફાયરમેન હૉસ્પિટલમાં દાખલ
ઍટલાન્ટિક બિલ્ડિંગના સાતમા માળે લાગેલી આગ.
બાંદરા-વેસ્ટમાં શર્લી રાજન રોડ પર આવેલા ઍટલાન્ટિક બિલ્ડિંગના સાતમા માળે બુધવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતાં ૬૪ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જ્યારે બચાવ-કામગીરી દરમ્યાન ગૂંગળામણને કારણે બે ફાયરમેનની તબિયત લથડી ગઈ હતી. ફ્લૅટમાં લાગેલી આગની જ્વાળાઓ દસથી ૧૨ ફુટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ હતી. મુંબઈ ફાયર-બ્રિગેડે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડ પ્લસ સેવન ફ્લોરના ઍટલાન્ટિક બિલ્ડિંગમાં રાત્રે ૯.૧૨ વાગ્યે આગ લાગી હોવાનો કૉલ મળ્યો હતો. બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લૅટ-નંબર ૭૦૧ અને ૭૦૨ની અંદર ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ અને ઘરવખરીનો સામાન આગની ઝપટમાં આવી ગયાં હતાં. રાત્રે ૧૧.૫૦ વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં ૩ લોકોને અસર થઈ હતી. ૬૪ વર્ષના સિનિયર સિટિઝન અઝીમ બરોડાવાલાને હૉસ્પિટલ લાવવામાં આવતાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આગ ઓલવવાની કામગીરી દરમ્યાન ગૂંગળામણનો ભોગ બનેલા બે ફાયરમેનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કયાં કારણોસર લાગી એનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.’
હિમાચલ પ્રદેશના ચંબામાં બોલેરો ઊંડી ખીણમાં ખાબકી, એક જ પરિવારના ૭ લોકોનાં મોત
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ-અકસ્માત સર્જાયો છે. ચંબા-મસરુંડ માર્ગ પર છતરુંડ નજીક એક બોલેરો ગાડી અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રસ્તા પરથી સરકીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં વાહનમાં સવાર ડ્રાઇવર સહિત તમામ સાતેય લોકોનાં ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં ૩ મહિલાઓ અને ૪ પુરુષોનો સમાવેશ થાય છે, જેઓ તમામ કુથેડ ગામના વતની અને એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ૭ સભ્યોનાં સામૂહિક મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ કરુણ અકસ્માત એ સમયે થયો જ્યારે આ પરિવાર કાકડોથા ગામમાં આયોજિત એક બાળકની બાબરી (મુંડન સંસ્કાર)ની વિધિમાં હાજરી આપીને પાછો ફરી રહ્યો હતો. મસરુંડના સરપંચે જણાવ્યું હતું કે ‘પરિવારના સભ્યો પ્રસંગ પતાવીને બહાર જમ્યા બાદ મોડી રાત્રે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે પહાડી રસ્તા પર ગાડી ખીણમાં પડી ગઈ હતી. સવારે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ ઊંડી ખીણમાંથી તમામ મૃતદેહો બહાર કાઢીને ચંબાની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.’ આ અકસ્માત પાછળ વાહનની ગતિ જવાબદાર હતી કે પહાડી વળાંક પર કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી એ દિશામાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
FDAની કાર્યવાહીથી ડરીને વિરારમાં સેંકડો પૅકેટ બટર અને ફૂગ લાગેલાં નૂડલ્સ રસ્તા પર ફેંકી દેવાયાં
રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ આપેલા નિર્દેશોને લઈને ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ રેઇડ પાડવામાં આવી રહી છે અને ફૂડ-આઇટમ્સ સહિત દવાઓ અને કૉસ્મેટિક્સનો એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે વિરારમાં પણ એની અસર જોવા મળી છે. હોટેલિયર્સ, નાના દુકાનદારો અને સ્ટૉલ ચલાવનારાઓમાં પણ ગભરાટ વ્યાપી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. વિરારના અગાસી રોડ પર મોટા પ્રમાણમાં બટર અને ફૂગ લાગીને બગડી ગયેલાં નૂડલ્સનાં પૅકેટ્સ રસ્તા પરના કચરામાં ફેંકી દેવાયેલાં મળી આવ્યાં હતાં. એ આઇટમોનાં પૅકેટ ચેક કરતાં એના પરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર ૨૦૨૫ની હોવાનું જણાઈ આવ્યું હતું. રહેવાસીઓનું કહેવું હતું કે હવે જો કાર્યવાહીના ડરે એ પૅકેટ્સ કચરામાં ફેંકાયાં છે એનો અર્થ એ થયો કે અત્યાર સુધી એ છૂટથી વેચાતાં હતાં.
જળગાવથી ગર્લફ્રેન્ડ સાથે મુંબઈ આવેલા યુવકે ટેરેસ પરથી કૂદીને કરી આત્મહત્યા
વર્સોવાના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગની ટેરેસ પરથી કૂદીને ૨૮ વર્ષના એક યુવકે આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પવન પાટીલ નામનો આ યુવક જળગાવનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ આપેલી માહિતી મુજબ પવન પાટીલ બુધવારે તેની ગર્લફ્રેન્ડ સાથે મુંબઈ આવ્યો હતો. ગુરુવારે સવારે ૭.૫૦ વાગ્યે તે વર્સોવામાં આવેલી મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ની આકાશ દીપ સોસાયટીની ટેરેસ પર ગયો હતો અને કૂદી પડ્યો હતો. જમીન પર પટકાતાં જ ઘટનાસ્થળે તેનું મૃત્યુ થયું હતું. પવન પાટીલ બિલ્ડિંગમાં કોઈને ઓળખતો હતો કે નહીં અથવા તે ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો એ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. વર્સોવા પોલીસ-સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ગીર વન્યપ્રાણી અભયારણ્ય ૨૩ જૂનથી બંધ: જોકે દેવળિયા સફારી પાર્કની મુલાકાત લઈને સિંહોને જોઈ શકશે સહેલાણીઓ
સૌરાષ્ટ્રમાં આવેલા ગીર વન્યપ્રાણી અભયારણ્યનો ગીર ઇકો ટૂરિઝમ ઝોન પ્રવાસીઓ માટે ૨૩ જૂનથી બંધ કરવામાં આવશે. જોકે પ્રવાસીઓ દેવળિયા સફારી પાર્કની મુલાકાત લઈ શકશે.
વર્ષોથી ગીરના જંગલમાં છૂટથી વિચરણ કરતાં સિંહ-સિંહણ તેમ જ બચ્ચાંને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. જોકે ચોમાસાના દિવસોમાં સાસણગીર સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ વખતે ગીર ઇકો ટૂરિઝમ ઝોન ૪ દિવસ પછી બંધ થશે. જોકે એ ફરી ક્યારે ખુલ્લો મુકાશે એની જાહેરાત કરાઈ નથી. દેશ-વિદેશથી ગીરના સિંહોને જોવા આવતા સહેલાણીઓ નિરાશ થઈને પાછા ન જાય એ માટે ગીરમાં આવેલા દેવળિયા સફારી પાર્કને ચાલુ રાખવામાં આવશે. આ પાર્કમાં વિહરતા સિંહોને સહેલાણીઓ જોઈ શકશે.
