કોલાબાના શહીદ ભગત સિંહ રોડ પર સાસૂન ડૉકની સામે આવેલા પાંચ માળના કિસ્મત બિલ્ડિંગના ટૉપ ફ્લોરના એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૭.૫૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કોલાબાના શહીદ ભગત સિંહ રોડ પર સાસૂન ડૉકની સામે આવેલા પાંચ માળના કિસ્મત બિલ્ડિંગના ટૉપ ફ્લોરના એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૭.૫૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ ત્યાંથી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા જે દૂરથી દેખાઈ રહ્યા હતા. લોકોએ એના ફોટો અને વિડિયો પાડીને સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. ફાયર-બ્રિગેડના ફાયર-એન્જિન ગણતરીની મિનિટોમાં પહોંચી ગયાં હતાં. અંદાજે ૨૦૦ સ્ક્વેરફુટના એ ફ્લૅટમાં લાગેલી આગ પર ૮.૧૨ વાગ્યે કાબૂ મેળવીને ઓલવી પણ દેવાઈ હતી. આગમાં ઘરવખરી, ઇલેક્ટ્રિક વાયરિંગ અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ આગમાં ૫૦ વર્ષની એક મહિલાને આંગળીઓમાં મામૂલી ઈજા થઈ હતી. જોકે તેણે એ માટે હૉસ્પિટલમાં જઈને સારવાર લેવાનો ઇનકાર કરી દીધો હતો.
ગુજરાતમાં કૉન્ગોથી આવેલા શંકાસ્પદ દરદીનો ઈબોલા વાઇરસનો રિપોર્ટ નેગેટિવ
ADVERTISEMENT
કૉન્ગોથી મુંબઈ થઈને ગુજરાત આવેલા શંકાસ્પદ દરદીનો ઈબોલા વાઇરસનો રિપોર્ટ નેગેટિવ આવતાં ગુજરાતના આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે ‘કૉન્ગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાઇરસના શંકાસ્પદ દરદીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નાગરિકોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી તેમ જ અફવાઓથી દૂર રહીને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જનઆરોગ્યની સુરક્ષા માટે સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે.’
ચમોલીમાં જંગલની આગ હાઇવે સુધી પહોંચી: ઉત્તરાખંડ સરકારે જંગલના દાવાનળને કાબૂમાં લેવામાં મદદ કરનારને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
ઉત્તરાખંડના ચમોલીમાં નર્સિંગ કૉલેજ માર્ગ પર ચીડનાં જંગલોમાં લાગેલી આગ ગઈ કાલે એટલી વિસ્તરી હતી કે એ હાઇવે સુધી પહોંચી ગઈ હતી અને પાર્ક કરેલી એક કારને પણ ભસ્મીભૂત કરી નાખી હતી. ગોપેશ્વરના પટિયાલધારમાં જંગલની આગ સેંકડો હેક્ટર વનસંપદાને ખાખ કરી રહી છે. આગ આગળ ન ધપે એ માટે તહેનાત કરવામાં આવેલા ફાયર-વૉચર્સનો જીવ પણ જોખમમાં મુકાયો છે. ચમોલીમાં આગ બુઝાવવા માટે આગળ વધતો ફાયર-બ્રિગેડનો કર્મચારી પણ આગમાં સપડાઈ ગયો હતો. જોકે સાથેના કર્મચારીઓએ તેને બચાવીને આગ બુઝાવી દીધી હતી. આમ છતાં તે ૩૦ ટકા દાઝી ગયો હતો. ઉત્તરાખંડ અને હિમાચલનાં જંગલોમાં બેફામ થઈને વધી રહેલા દાવાનળને અટકાવવા માટે સરકારે નિષ્ણાતો પાસેથી મદદ માગી છે. સરકારે એક પ્રસ્તાવ મૂક્યો છે કે આગ બુઝાવવામાં મદદ કરનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવું.
અજમેર પાસે ચાલતી સ્કૉર્પિયોમાં આગ લાગી, એક પરિવારના ૪ લોકો બળીને ભડથું થઈ ગયા
રાજસ્થાનના અજમેર જિલ્લામાં ગુરુવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક ચાલતી સ્કૉર્પિયો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં એક જ પરિવારના ૪ સભ્યો સળગી જતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. બોરડા પોલીસથાણા પાસે સવારે ૫.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. અજમેર શહેરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર ચાલતી કારમાં આગ ભડકી ઊઠતાં અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો નહોતો. મૃત્યુ પામનારા લોકોમાં કૉન્ગ્રેસના સ્થાનિક નેતા અને ભૂતપૂર્વ સરપંચ રામસિંહ ચૌધરીનો પરિવાર હતો. રામસિંહ ચૌધરીનાં મમ્મી પૂસીદેવીને હૃદયમાં દુખાવો ઊપડ્યો હતો એટલે તેમને લઈને હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
દિલ્હી અને મધ્ય પ્રદેશમાં વરસાદ, હરિયાણા-ઉત્તરાખંડમાં ભારે કરાવૃષ્ટિ
ભારતીય મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ ગઈ કાલે દેશની રાજધાનીમાં અચાનક પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં વીજળીના થાંભલા અને વૃક્ષો પડી ગયાં હતાં. મધ્ય પ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થતાં મોસમે કરવટ લીધી હતી. હરિયાણા અને ઉત્તરાખંડમાં તો આંધી સાથે કરાવૃષ્ટિ થઈ હતી. પિથૌરાગઢમાં ઈંડાની સાઇઝના મોટા બરફના કરા પડ્યા હતા. ઉત્તર ભારતમાં આવેલા આ બદલાવને કારણે ભારતનાં ૧૫ રાજ્યોમાં આજથી ગરમીથી રાહત મળે એવી સંભાવના છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હજી બે દિવસ વરસાદનો માહોલ રહેશે.
સિક્કિમ બન્યું ભારતનું પાંચમું સંપૂર્ણ સાક્ષર રાજ્ય
અન્ડરસ્ટૅન્ડિંગ ઑફ લાઇફલૉન્ગ લર્નિંગ ફૉર ઑલ ઇન સોસાયટી (ULLAS) પહેલ અંતર્ગત સિક્કિમ દેશનું પાંચમું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. ગૅન્ગટૉકના મનન કેન્દ્રમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં આ જાહેરાત થઈ હતી. આ પહેલાં મિઝોરમ, ગોવા, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ ઑલરેડી પૂર્ણ સાક્ષરતાનો દરજ્જો મેળવી ચૂક્યાં છે.
પતંજલિ ફૂડ્સને મળી ૧૩૫૨.૯ કરોડ રૂપિયાની GST નોટિસ
પતંજલિ ફૂડ્સ કંપનીને ચેન્નઈના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) વિભાગ તરફથી નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ૧૩૫૨.૯ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મળી છે. કંપની પર ટર્નઓવર મિસમૅચનો અને ટૅક્સ-રેકૉર્ડમાં ડિફરન્સ હોવાનો આરોપ લાગ્યો છે. ભારેભરખમ ટૅક્સ-ડિમાન્ડને કારણે ગઈ કાલે કંપનીના શૅરમાં ૨.૫ ટકા ઘટાડો થયો હતો.
BMCના અધિકારીઓને SUV નહીં મળે, ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં આવશે
BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો માટે બાવીસ નવી સ્કૉર્પિયો-N SUV કાર ભાડે લેવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કમિટીએ પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) ખરીદવાનો નવો પ્રસ્તાવ સબમિટ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. BMCએ પાંચ વર્ષની વેટ લીઝ પર ૬.૧૬ કરોડ રૂપિયાના ખર્ચે બાવીસ કાર ભાડે લેવાની દરખાસ્ત મૂકી હતી. આ વ્યવસ્થા હેઠળ ડ્રાઇવર અને ફ્યુઅલનો ખર્ચ BMCએ ભોગવવાનો હતો, જ્યારે સમારકામ અને જાળવણીની જવાબદારી કૉન્ટ્રૅક્ટરની રહેવાની હતી. હવે BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ખરીદવાનો પ્રસ્તાવ પાછો ખેંચીને EV માટેની રિવાઇઝ્ડ પ્રપોઝલ મગાવી છે.
નસરાપુરમાં સાડાત્રણ વર્ષની બાળકીના રેપ-મર્ડરના કેસમાં આજથી સુનાવણી: ગુનાની ગંભીરતા જોઈને કેસ ફાસ્ટ ટ્રૅક પર લેવામાં આવ્યો
પુણે જિલ્લાના ભોર તાલુકના નસરાપુરમાં સાડાત્રણ વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં ૬૫ વર્ષના આરોપી સામે ખાસ અદાલતે ગઈ કાલે આરોપો ઘડી કાઢ્યા હતા, જેને કારણે આજથી એ કેસની સુનાવણીની શરૂઆત કરવામાં આવશે અને કેસની દરરોજ સુનાવણી થશે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દૈનિક સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કેસને ફાસ્ટ ટ્રૅક કર્યો છે. સ્પેશ્યલ જજ એસ. આર. સાળુંખેએ શુક્રવારથી કાર્યવાહી ઇન-કૅમેરા (બંધ દરવાજા પાછળ) ચલાવવાનો આદેશ આપ્યો હતો. આરોપી ભીમરાવ કાંબળે બાળકીને ફોસલાવીને ગાયની ગમાણમાં લઈ ગયો હતો અને ત્યાર બાદ તેના પર બળાત્કાર કરી તેની હત્યા કરીને તેના મૃતદેહને છાણ નીચે છુપાવી દીધો હતો.
સંસદસભ્ય શ્રીકાંત શિંદેના કાફલાની ૪ કાર એકબીજા સાથે ટકરાઈ
કલ્યાણના શિવસેનાના સંસદસભ્ય શ્રીકાંત શિંદેના કાફલાની ૪ કારનો ગઈ કાલે નાંદેડના સાઠે ચોકમાં એકબીજા સાથે અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. શ્રીકાંત શિંદે ગઈ કાલે સવારે તેમના કાફલા સાથે નાંદેડથી નાયગાવ આવવા નીકળ્યા હતા. શિવ સંવાદ નિમિત્તે નાયગાવમાં પક્ષની રિવ્યુ મીટિંગ હતી. તેઓ નાંદેડથી નીકળી રહ્યા હતા ત્યારે સાઠે ચોકમાં તેમના કાફલાની ગાડીની સામે અચાનક એક માણસ આવી જતાં ગાડીના ડ્રાઇવરે બ્રેક મારવી પડી હતી. એને કારણે એની પાછળ આવી રહેલી ૩ કાર એમ કુલ મળી ૪ કાર એકબીજા સાથે અથડાઈ હતી. કારને નુકસાન થયું હતું, પણ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નહોતી.
રાજાવાડી હૉસ્પિટલના ટૉઇલેટમાંથી ત્યજાયેલું નવજાત શિશુ મળી આવ્યું
ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડી હૉસ્પિટલમાંથી ગઈ કાલે એક નવજાત શિશુ ત્યજાયેલી હાલતમાં મળી આવ્યું હતું. તિલકનગર પોલીસને આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે કેસ નોંધીને બાળકનાં માતા-પિતાની શોધ ચાલુ કરી છે. સાકીનાકામાં રહેતા શ્રીરામ પટેલ તેમના બીમાર કઝિનની ખબર કાઢવા રાજાવાડી હૉસ્પિટલમાં આવ્યા હતા. વૉર્ડ-નંબર ૪૦ના ટૉઇલેટમાંથી તેમને બાળકના રડવાનો અવાજ આવતાં અંદર જઈને તપાસ કરતાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ દેખાયું હતું. એથી તેમણે તરત જ હૉસ્પિટલના સ્ટાફને જાણ કરતાં નર્સે આવી શિશુને તાબામાં લઈને તેની કાળજી લીધી હતી. ત્યાર બાદ આ બાબતે તિલકનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. તિલકનગર પોલીસ હવે CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને બાળકનાં માતા-પિતાને શોધવાની કોશિશ કરી રહી છે.
ખારના દરિયામાં બોટ ઊંધી વળી : માછીમાર પિતાનું મૃત્યુ, દીકરો અને હેલ્પર બચી ગયા
અરબી સમુદ્રમાં ખારદાંડા પાસે આવેલા લાઇટહાઉસ પાસે બુધવારે સાંજે ૬.૧૫ વાગ્યે એક માછીમારી બોટ ઊંધી વળી ગઈ હતી. એ બોટમાં એ વખતે પંચાવન વર્ષના અશોક રાઠોડ, તેમનો ૩૨ વર્ષનો દીકરો કેતન અને એક હેલ્પર હતા. બોટ ઊંધી વળી ગયા બાદ તેમને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કેતન અને હેલ્પરને બચાવી લેવાયા હતા, પણ અશોક રાઠોડનું મૃત્યુ થયું હતું. કેતન અને હેલ્પરને સારવાર માટે બાંદરાની ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. કેતને ત્યાર બાદ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ લીધો હતો. હૉસ્પિટલમાંથી આ ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઈદની પૂર્વસંધ્યાએ તોડી પડાઈ ઉલવેની ગેરકાયદે મસ્જિદ: ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) દ્વારા ઈદની પૂર્વસંધ્યાએ ઉલવેના સેક્ટર ૯માં આવેલી ગેરકાયદે મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી કરતી વખતે કાયદો-વ્યવસ્થા ન બગડે અને શાંતિ જળવાઈ રહે એ માટે ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બુલડોઝર દ્વારા ગેરકાયદે મસ્જિદ તોડી પાડવામાં આવી એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
