આખો દિવસ આ ચર્ચા ચાલી એ પછી જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે ખોટી વાત છે
જયંત પાટીલ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP)ના વરિષ્ઠ નેતા અને સ્ટેટ પ્રેસિડન્ટ જયંત પાટીલે તેમના પદ પરથી રાજીનામું આપ્યાની ચર્ચાએ ગઈ કાલે જોર પકડ્યું હતું. એટલું જ નહીં, તેમના અનુગામી તરીકે શશિકાંત શિંદેનું નામ પણ લગભગ નક્કી બોલાતું હતું. જોકે મોડી સાંજે પાર્ટીના વિધાનસભ્ય, પ્રવક્તા અને નેતા જિતેન્દ્ર આવ્હાડે સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું કે ‘જયંત પાટીલે રાજીનામું આપ્યું હોવાના સમાચાર ખોટા છે. એ કોઈએ ખોટી અફવા ફેલાવી છે. પાર્ટી નિયમો અને શિસ્ત પર ચાલે છે.’
આમ તો છેલ્લા એક અઠવાડિયાથી જયંત પાટીલ તેમના પદ પરથી રાજીનામું આપી શકે એવી અટકળો ચાલી રહી હતી. જયંત પાટીલ છેલ્લાં ૭ વર્ષથી આ પદ સંભાળી રહ્યા છે. જૂન મહિનામાં પાર્ટીના જ એક ફંક્શનમાં તેમણે પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને નવા લોકોને તક આપવી જોઈએ એમ કહ્યું હતું. જોકે પાર્ટીના તેમના સમર્થકો અને કાર્યકરોએ તેમને એમ ન કરવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
પાર્ટીના જ એક સિનિયર નેતાના જણાવ્યા મુજબ ૧૫ જુલાઈએ પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓની એક બેઠક થવાની છે. કદાચ એમાં આ બાબતે નિર્ણય લેવાય. શક્ય છે કે જયંત પાટીલ જ સ્ટેટ પ્રેસિડન્ટ રહે. જોકે થોડા વખત પહેલાં જ પાર્ટીના વડા શરદ પવારે પણ કહ્યું હતું કે પાર્ટીમાં હવે નવી લીડરશિપ લાવવી જોઈએ. જોકે એ ચોક્કસ કોણ હશે એ કહેવું હાલના તબક્કે મુશ્કેલ છે.
શશિકાંત શિંદે જેમનું નામ પાર્ટી સ્ટેટ પ્રેસિડન્ટ તરીકે ચર્ચાઈ રહ્યું હતું, તેમને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને આ બાબતે કંઈ જાણ નથી. આ પ્રકારના નિર્ણય પાર્ટીના વડા જ લેતા હોય છે. મારા સિવાય પણ ઘણાં બધાં નામ છે. પાર્ટી મને જે પણ જવાબદારી સોંપશે એ નિભાવવાની મારી તૈયારી છે.’

