NCPના વિધાનસભ્યના ભત્રીજાએ રૉન્ગ સાઇડમાં કાર ચલાવીને બે જણને કચડ્યા
અકસ્માત
પુણેમાં કલ્યાણીનગરનો પૉર્શે-કાંડ અકસ્માત હજી ચર્ચામાં છે ત્યારે શનિવારે વધુ એક ઍક્સિડન્ટ થયો હતો, જેમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ખેડ તાલુકાના વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલના ભત્રીજા મયૂરે રૉન્ગ સાઇડમાં કાર ચલાવીને એક મોટરસાઇકલને ઉડાવી હતી. પુણે-નાશિક હાઇવે પર આંબેગાવ તાલુકાના મૌજે એકલાહેરે ગામ પાસે શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે થયેલા આ અકસ્માતમાં મોટરસાઇકલ પર જઈ રહેલા બેમાંથી ઓમ ભાલેરાવ નામના ૧૯ વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, બીજાને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી મયૂર પાટીલની ધરપકડ કર્યા બાદ જેલ-કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. આરોપી વિધાનસભ્યનો ભત્રીજા છે એટલે મંચર પોલીસે તેની કસ્ટડી મેળવવાનો પ્રયાસ ન કર્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.

