ડકરીએ કહ્યું હતું કે ‘આ બાબતે કોઈ ઊહાપોહ કરવાની જરૂર નથી. BJP સત્તામાં છે એટલે એને વધારે ડોનેશન મળ્યું છે.
નીતિન ગડકરી
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો લક્ષ્યાંક ૪૦૦ બેઠકનો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકલા BJPને ૩૭૦ બેઠકો મળશે એવો દાવો કર્યો છે ત્યારે આ લક્ષ્યાંક કેવી રીતે પાર થશે એવો સવાલ જ્યારે કેન્દ્રીય પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીને કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે લોકસભાના ૨૮૮ સભ્યો છે અને એ સિવાય વધારાની બેઠકો દક્ષિણનાં રાજ્યોમાંથી મળશે.
નાગપુરમાં લેવાયેલી ગડકરીની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું સારું કામ કર્યું છે એટલે દેશની જનતા નરેન્દ્ર મોદીને ફરી વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢશે અને તેઓ સતત ત્રીજી વાર વડા પ્રધાન બનશે એમાં કોઈ શંકા નથી.
ADVERTISEMENT
૨૦૧૯માં BJPને કુલ ૩૦૩ બેઠકો મળી હતી, પણ પછી એના સંસદસભ્યોની સંખ્યા ઘટી રહી છે. કેટલાક સંસદસભ્યોએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને રાજીનામાં આપ્યાં છે અને ક્યાંક પેટાચૂંટણીમાં પરાજય થયો છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બૉન્ડનો મુદ્દો ચગ્યો છે, એ વિશે સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે ‘આ બાબતે કોઈ ઊહાપોહ કરવાની જરૂર નથી. BJP સત્તામાં છે એટલે એને વધારે ડોનેશન મળ્યું છે. ટીવી-મીડિયામાં પણ જે ચૅનલના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ (TRP) વધારે હોય એને સારા દરે જાહેરાતો મળે છે. જે ચૅનલના TRP ઓછા હોય છે એને ઓછા દરે જાહેરાતો મળે છે. આજે અમે સત્તામાં છીએ એટલે અમને વધારે ડોનેશન મળે છે, કાલે બીજું કોઈ સત્તામાં આવશે તો એને વધારે ડોનેશન મળશે. પાર્ટી ચલાવવા માટે નાણાં જોઈએ છે અને હવે ઇલેક્ટોરલ બૉન્ડને રદ કરવામાં આવ્યાં છે ત્યારે બીજા કોઈ વિકલ્પ વિચારવાની જરૂર છે.’
RSSની અપેક્ષા પૂરી કરવાની અમારી જવાબદારી
BJPના વૈચારિક આધારસમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ૨૦૨૫માં શતાબ્દી વર્ષની ઉજવણી થશે ત્યારે તમારો કોઈ પર્સનલ એજન્ડા છે એવા સવાલના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે અમારો કોઈ પર્સનલ એજન્ડા નથી, RSS એનો એજન્ડા જાહેર કરશે, એની જે અપેક્ષાઓ હશે એ પૂરી કરવાની જવાબદારી અમારી છે.