બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર સામે ન્યાયયાત્રા કાઢનારા નીતેશ રાણેએ કહ્યું...
નીતેશ રાણે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિંધુદુર્ગની કણકવલી બેઠકના વિધાનસભ્ય નીતેશ રાણેએ ગઈ કાલે બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં હિન્દુ ન્યાય યાત્રા તેમના મતવિસ્તારમાં કાઢી હતી. આ યાત્રામાં આયોજિત કરવામાં આવેલી સભામાં નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘આપણા હિન્દુઓ પર બંગલાદેશમાં અત્યાચાર થઈ રહ્યો છે. ઇસ્કૉનના સાધુની ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવ્યા છે. તેમનો કેસ લડનારા વકીલની હત્યા કરી નાખવામાં આવી છે. હિન્દુ મહિલાઓ પર સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની રહી છે. આ જોઈને આપણને બહુ દુઃખ થઈ રહ્યું છે અને લોહી ઊકળે છે. ચૂંટણીમાં મુસ્લિમ સમાજ મોદીના વિરોધમાં જે પણ હોય તેને મત આપે છે. તેમને હિન્દુત્વના વિચારની સરકાર નથી જોઈતી પણ દરેક સરકારી યોજનાનો લાભ મુસ્લિમો જ સૌથી વધુ લે છે. કોઈ પણ યોજનાનું લિસ્ટ જોશો તો આ લોકોનાં જ નામ વધુ જોવા મળશે. મોદી કે હિન્દુ વિચાર પસંદ નથી તો આ લોકો લાભ શા માટે લે છે? લાડકી બહિણ યોજનાના લાભાર્થીઓમાં પણ મુસ્લિમો વધુ હોવાનું જણાયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરીશ કે આદિવાસી પરિવારને બાદ કરતાં જે મુસ્લિમ પરિવારમાં બેથી વધુ બાળકો હોય એને લાડકી બહિણ યોજનાનો લાભ ન આપો એટલે કે આવા પરિવારને આ યોજનામાંથી બાકાત રાખવા જોઈએ.’


