Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તપ કરો, જીવદયા કરો

તપ કરો, જીવદયા કરો

24 September, 2022 08:38 AM IST | Mumbai
Alpa Nirmal

મુંબઈનું શ્રુત જ્ઞાન ફાઉન્ડેશન રવિવારે આયંબિલ કરનારી પ્રત્યેક વ્યક્તિદીઠ ૧૦૦ રૂપિયાનું દાન ગૌશાળાઓમાં લમ્પી વાઇરસથી પીડાઈ રહેલી ગાયોની સુખાકારી માટે મોકલી આપશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


લમ્પી વાઇરસ (Lumpy Virus) વ્યાપક બન્યો છે. લાખો ગાયો (Cow) આ રોગનો ભોગ બનીને અસહ્ય વેદના સહન કરી રહી છે. આ મૂંગાં પ્રાણીઓને ભયંકર પીડામાં શાતા મળે એ માટે મુંબઈના શ્રુતજ્ઞાન ફાઉન્ડેશને ?(Mumbai`s  Shrut Gyan Foundation) એક અનોખું અભિયાન આદર્યું છે. ભાદરવા વદ અમાસ, રવિવાર, ૨૫ સપ્ટેમ્બરે જે કોઈ વ્યક્તિ આયંબિલ તપ કરશે અને ફાઉન્ડેશનના નંબર પર નોંધણી કરાવશે એ વ્યક્તિને પ્રભાવનારૂપે જીવદયાનું પુણ્ય અપાશે.

આ મોહિમ વિશે વિસ્તારમાં જણાવતાં ફાઉન્ડેશનના સ્થાપક દીપક જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન ધર્મમાં આયંબિલ અતિ મંગલકારી તપ ગણાય છે. આ તપ કરતાં અનેક સંકટો હર્યાના સેંકડો પ્રસંગો જૈન તવારીખમાં નોંધાયેલા છે. હાલમાં લમ્પી વાઇરસને કારણે આપણો ગૌવંશ પીડાઈ રહ્યો છે ત્યારે એ અબોલા જીવને શાંતિ મળે એ માટે અમે રવિવારે સમસ્ત ભારતના દરેક સંપ્રદાય અને ગચ્છના જૈનોને તેમ જ અહિંસાપ્રેમીઓને આયંબિલ કરવાની હાકલ કરી છે. રવિવારે રજા તો છે જ. એ સાથે જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનનું કેવલજ્ઞાન કલ્યાણક છે. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે ૨૪ તીર્થંકરોના પાંચે કલ્યાણકોના દિવસે નરકમાં રહેલા જીવોને પણ શાતા મળે છે. એ અન્વયે અમે ૨૫ સપ્ટેમ્બરે ‘એક આયંબિલ મારું પણ’ એ ઇનિશિયેટિવ લીધું છે.’



ખેતવાડીમાં રહેતા દીપકભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘સરકારી આંકડાઓ અનુસાર એક લાખથી વધુ ગાયો લમ્પી વાઇરસને કારણ મૃત્યુ પામી છે અને બે લાખથી વધુ ગૌમાતા આ રોગથી ગ્રસ્ત છે. લમ્પી વાઇરસને માત કરે એવી કારગર રસી શોધાઈ નથી ત્યારે અમુક આયુર્વેદિક ઉપચારો અને પ્રિકૉશન તેમ જ અમુક પ્રકારની દેશી જડીબુટ્ટી વગેરે લાડુ સ્વરૂપે આપીને ગાયોની ઇમ્યુનિટી ટકાવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમેય ગૌશાળાઓનો રોજિંદો નિભાવખર્ચ માંડ-માંડ નીકળતો હોય એવામાં સ્પેશ્યલ દવાઓ, ખોરાક તેમ જ એમની દેખરેખ રાખવાનો ખર્ચો કાઢવો મુશ્કેલ થાય છે. એટલે અમે નક્કી કર્યું છે કે જેટલી વ્યક્તિ આયંબિલ કરશે એટલાં માથાદીઠ મિનિમમ ૧૦૦ રૂપિયાનું દાન અમે રાજસ્થાન અને ગુજરાતની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં કરીશું. એટલે દાખલા તરીકે આખા ભારતમાં ૫,૦૦૦ વ્યક્તિએ આયંબિલ કર્યું તો એને ૧૦૦ વડે ગુણતાં પાંચ લાખ રૂપિયાથી વધુ રકમ અમે ફાઉન્ડેશન દ્વારા આપીશું.’


આ કૅમ્પેન સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમોના પ્લૅટફૉર્મ દ્વારા પ્રસારિત થઈ રહ્યું છે. ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું કહેવું છે કે ફક્ત આ માધ્યમો દ્વારા તમે દેશના ખૂણે-ખૂણે પહોંચી શકો છો. વળી નાની-મોટી દરેક વ્યક્તિ વિડિયો કે પોસ્ટ જુએ છે. દીપકભાઈ કહે છે, ‘આયંબિલ કરનારે વધુ કંઈ નથી કરવાનું. એમાં આપેલા નંબર પર વૉટ્સઍપ મેસેજ કરવાનો  અથવા લિન્ક ઓપન કરીને એનરોલ થઈ જણાવવાનું છે કે અમારા ઘરમાંથી ત્રણ આયંબિલ થશે, બે થશે કે ૧૦ થશે. દરેક વ્યક્તિએ આયંબિલ પોતપોતાના સંઘના આયંબિલ ખાતામાં જ કરવાનું છે અથવા સગવડ ન હોય તેમણે પોતાના ઘરે કરવાનું છે. ફક્ત અમારે ત્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે.’

આ પણ વાંચો : Mumbai: લમ્પી વાયરસથી બચાવવા 2203 ગાયને અપાઈ ચૂકી છે રસી


કેટલાં આયંબિલ થવાની સંભાવના છે? એના જવાબમાં દીપકભાઈએ કહ્યું હતું કે ‘નેમિનાથ ભગવાન અબોલ જીવો પ્રત્યે અત્યંત કરુણાવાન હતા. ચોપગાં પશુઓના પોકાર સાંભળીને નેમિનાથ ભગવાને પોતાનાં લગ્નની જાન પાછી વળાવી મિજબાની માટે લવાયેલા એ જીવોને અભયદાન આપ્યું હતું. અમાસે આ ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક છે. વળી આ જ તીર્થંકરે આયંબિલના પ્રભાવથી શ્રીકૃષ્ણની દ્વારકાને બાર વર્ષ સુધી બચાવી હતી. આમેય એ દિવસે અનેક ભાવિકો આયંબિલ કે ઉપવાસ કરશે જ. એટલે જ અમે આ કરુણા દિવસે આયંબિલ કરવાનું આહવાન કર્યું છે. લોકોનો ઉત્સાહ સારો છે. અત્યાર સુધી બે હજારથી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને અમે ઇચ્છીએ છીએ કે જે જીવ દુખી છે એને સમાધિ પહોંચે એ સંકલ્પ લઈને વધુ ને વધુ લોકો આ સદ્કાર્યમાં જોડાય. એનો ત્રણગણો લાભ મળશે. પહેલો, લાભ તપ ધર્મની આરાધના તો થશે. બીજું, અબોલ જીવોને તેમના દ્વારા શાતા મળે અને ત્રીજું, તપસ્વીઓના આયંબિલ નિમિત્તે જીવદયા ક્ષેત્રમાં દાન અપાશે.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 08:38 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK