Mumbai: વરલીમાં આવેલી ફોર સીઝન્સ હોટેલને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો ઇ-મેલ મળ્યો; સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી; પોલીસ તપાસ શરુ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ની એક ફાઇવ સ્ટાર હોટેલને આજે બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. વરલી (Worli)માં આવેલી ફોર સીઝન્સ હોટેલ (Four Seasons Hotel)ને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો ઇ-મેલ મળ્યો છે. ત્યારબાદ હોટેલની સુરક્ષા વધારવામાં આવી છે અને મુંબઈ પોલીસ (Mumbai Police)એ તપાસ હાથ ધરી છે.
સેન્ટ્રલ કંટ્રોલ રૂમ (Central Control Room)ને વરલી સ્થિત ફોર સીઝન્સ હોટેલને સંબોધિત ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો, જેમાં ત્રણ VIP રૂમને નિશાન બનાવીને વિસ્ફોટ થવાની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇ-મેલમાં ભૂતકાળની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને મહેમાનોને બહાર કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઇ-મેલમાં એક વિચિત્ર બાબત એ છે કે, ઇ-મેલ મોકલનાર વ્યક્તિએ તમિલનાડુ (Tamil Nadu) પોલીસ પાસે યુનિયન બનાવવાની પરવાનગી માંગી છે.
આ ઇ-મેલ સૌપ્રથમ વરલીની ફોર સીઝન્સ હોટેલને મોકલવામાં આવ્યો હતો, જેના મેનેજમેન્ટે તેમાં લખેલી માહિતી જોઈને તાત્કાલિક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ ચેતવણી બાદ, સાયબર પોલીસ (Cyber Police)એ ઇ-મેલના મૂળ સ્થાનને શોધવા અને મોકલનારને ઓળખવા માટે તપાસ શરૂ કરી હતી.
જોકે, ફોર સીઝન્સ હોટેલને ઇ-મેલમાં બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી (Worli’s Four Seasons Hotel receives bomb threat email) મળ્યા બાદ તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી. હોટેલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
૧૪ ઓગસ્ટે પણ મળી હતી બૉમ્બની ધમકી
આ મહિને આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ૧૪ ઓગસ્ટના રોજ, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ (Mumbai Police Control Room)ને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રેનમાં મોટો બૉમ્બ વિસ્ફોટ થશે. ધમકી આપ્યા પછી ફોન કરનારે અચાનક ફોન કાપી નાખ્યો. જ્યારે પોલીસે તે જ નંબર પર પાછા ફોન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફોન બંધ આવતો હતો.
૧૪ ગુરુવારે સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ મુંબઈ પોલીસ કંટ્રોલ રુમમાં કોલ આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે રેલવે પોલીસ (Railway Police)ને ચેતવણી આપી હતી. રેલવે સ્ટેશનો અને ભીડવાળા વિસ્તારોમાં તાત્કાલિક સુરક્ષા તપાસ વધુ સઘન બનાવવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
મુંબઈ પોલીસે વધારી સુરક્ષા
કોલ અને ઇ-મેલ બંને દ્વારા એક પછી એક બૉમ્બની ધમકીઓ મળતી હોવાથી, મુંબઈ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી છે. સાયબર પોલીસ (Mumbai Cyber Police) ટીમો હવે નવીનતમ ઇ-મેલ મોકલનારને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


